ભારતીય રિઝર્વ બેંકએ આ વખતે રેપો રેટમાં કોઈ ફેરફાર કર્યો નથી. આરબીઆઇ ગવર્નર સંજય મલ્હોત્રાએ શુક્રવારે જાહેરાત કરી હતી કે રેપો રેટ ૫.૨૫ ટકા પર યથાવત રહેશે. આ નિર્ણયથી લોનના વ્યાજ દરમાં કોઈ ફેરફાર નહીં થાય, જેનાથી ગ્રાહકોને કોઈ રાહત મળશે નહીં. ભારતીય રિઝર્વ બેંકની નાણાકીય નીતિ સમિતિએ પોતાનું તટસ્થ વલણ જાળવી રાખ્યું છે, જેનો અર્થ એ છે કે ભવિષ્યમાં જરૂર પડ્યે આરબીઆઇ વ્યાજ દરમાં ઘટાડો અથવા વધારો કરવા તૈયાર છે. સંજય મલ્હોત્રાએ જણાવ્યું હતું કે યુનાઇટેડ સ્ટેટ્સ સાથેના વેપાર કરારથી ભારતની નિકાસમાં નોંધપાત્ર વધારો થશે.
રેપો રેટ ઉપરાંત, આરબીઆઇએ એસડીએફ (સ્ટેન્ડિંગ ડિપોઝિટ ફેસિલિટી) અને એમએસએફ (સીમાંત સ્થાયી સુવિધા) પણ યથાવત રાખ્યા છે.એસડીએફ ૫ ટકા અને એમએસએફ ૫.૫૦ ટકા પર રાખવામાં આવ્યો છે. આરબીઆઇ ગવર્નરે જણાવ્યું હતું કે ભારત વિદેશી સીધા રોકાણ માટે પસંદગીનું સ્થળ છે. દેશના અર્થતંત્ર અંગે, સંજય મલ્હોત્રાએ જણાવ્યું હતું કે ભારતનું અર્થતંત્ર અને વિકાસ હાલમાં મજબૂત સ્થિતિ માં છે. આરબીઆઇએ જણાવ્યું હતું કે દેશનો વાસ્તવિક ય્ડ્ઢઁ વિકાસ ૭.૪ ટકા સુધી પહોંચવાના માર્ગ પર છે.
સંજય મલ્હોત્રાએ જણાવ્યું હતું કે દેશમાં ફુગાવો નિયંત્રણમાં છે. નાણાકીય વર્ષ ૨૦૨૬ માં દેશનો છૂટક ફુગાવાનો દર ૨ ટકાથી વધીને ૨.૧ ટકા થયો છે. આરબીઆઇએ ચાલુ નાણાકીય વર્ષના ચોથા ત્રિમાસિક ગાળા માટે ફુગાવાનો અંદાજ ૨.૯ ટકાથી વધારીને ૩.૨ ટકા કર્યો છે.આરબીઆઇ ગવર્નરે નાણાકીય વર્ષ ૨૦૨૭ ના પ્રથમ ત્રિમાસિક ગાળા માટે ફુગાવાનો અંદાજ ૩.૯ ટકાથી વધારીને ૪ ટકા કર્યો છે. બીજા ત્રિમાસિક ગાળા માટે ફુગાવાનો અંદાજ ૪ ટકાથી વધારીને ૪.૨ ટકા કરવામાં આવ્યો છે.
ફેબ્રુઆરીઃ વર્ષની શરૂઆતમાં સાવચેતીભર્યું વલણ અપનાવીને, પ્રથમ ૨૫ બેસિસ પોઇન્ટનો ઘટાડો કરવામાં આવ્યો હતો.
એપ્રિલઃ આર્થિક ગતિ જાળવી રાખવા માટે બીજા ૨૫ બેસિસ પોઇન્ટનો ઘટાડો કરવામાં આવ્યો હતો.
જૂનઃ આ વર્ષનો સૌથી મોટો ઘટાડો હતો, જેમાં રિઝર્વ બેંકે રેપો રેટમાં સીધો ૫૦ બેસિસ પોઇન્ટનો ઘટાડો કર્યો હતો.
ડિસેમ્બરઃ વર્ષના અંતે અંતિમ નીતિ સમીક્ષા દરમિયાન, રેપો રેટ ઘટાડીને ૫.૨૫% કરવામાં આવ્યો હતો જેમાં અંતિમ ૨૫ બેસિસ પોઇન્ટનો ઘટાડો કરવામાં આવ્યો હતો.
અર્થતંત્રના ચાલકો પર પ્રકાશ પાડતા, ગવર્નરે જણાવ્યું હતું કે કોર્પોરેટ કામગીરીમાં સુધારો અને અનૌપચારિક ક્ષેત્રમાં સતત ગતિ ઉત્પાદનને વેગ આપશે. માંગના મોરચે, ગ્રામીણ માંગ સ્થિર રહે છે, જ્યારે શહેરી વપરાશમાં વધુ વધારો થવાની ધારણા છે. વધુમાં, ગવર્નર મલ્હોત્રાએ જણાવ્યું હતું કે તાજેતરમાં પૂર્ણ થયેલ ભારત ઇયુ મુક્ત વેપાર કરાર અને સંભવિત ભારત-યુએસ વેપાર કરાર નિકાસ વૃદ્ધિને મજબૂત ટેકો પૂરો પાડશે.
ભવિષ્યના આર્થિક દૃષ્ટિકોણમાં વિશ્વાસ વ્યક્ત કરતા, આરબીઆઇ ગવર્નરે આગામી નાણાકીય વર્ષના પ્રથમ અને બીજા ત્રિમાસિક ગાળા માટે વૃદ્ધિ આગાહીને અનુક્રમે ૬.૯% અને ૭% કરી. ફુગાવાના મોરચે, ચાલુ નાણાકીય વર્ષ માટે ફુગાવો ૨.૧% રહેવાનો અંદાજ છે, જ્યારે નાણાકીય વર્ષ ૨૦૨૭ ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં તે ૪% અને બીજા ત્રિમાસિક ગાળામાં ૪.૨% રહેવાનો અંદાજ છે. વૈશ્વિક પરિસ્થિતિ વિશે બોલતા, ગવર્નરે કહ્યું કે જાન્યુઆરીના અંત સુધીમાં વિદેશી હૂંડિયામણ અનામત ૭૨૩.૮ બિલિયનના ખૂબ જ સ્વસ્થ સ્તરે છે અને ચાલુ નાણાકીય વર્ષમાં ચાલુ ખાતાની ખાધ પણ ‘મધ્યમ’ રહેવાની ધારણા છે.









































