આમીર ખાનની ‘૩ ઇડિયટ્સ’ થી લઈને અક્ષય ખન્ના-ઐશ્વર્યા રાયની ‘આ અબ લૌટ ચલે’ જેવી ફિલ્મોમાં શાનદાર અભિનય માટે પ્રખ્યાત અભિનેતા અચ્યુત પોતદાર હવે આ દુનિયામાં નથી. ૩ ઈડિયટ્સમાં કડક પ્રોફેસરની ભૂમિકા ભજવવા માટે પ્રખ્યાત અચ્યુત પોતદારનું ૯૧ વર્ષની વયે અવસાન થયું. તેમણે થાણેની જ્યુપિટર હોસ્પિટલમાં છેલ્લા કેટલાક દિવસોથી ખરાબ તબિયતને કારણે અંતિમ શ્વાસ લીધા. તેમના મૃત્યુનું કારણ હજુ સુધી જાહેર થયું નથી. આ પીઢ અભિનેતાના આજે, એટલે કે ૧૯ ઓગસ્ટના રોજ થાણેમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે
ફિલ્મોની દુનિયામાં પોતાની ઓળખ બનાવતા પહેલા, અચ્યુત પોતદારે ભારતીય સેનામાં કામ કર્યું હતું અને બાદમાં ઇન્ડિયન ઓઈલ કંપનીમાં પણ કામ કર્યું હતું. અભિનય પ્રત્યેના તેમના જુસ્સાને કારણે, તેઓ ૧૯૮૦ના દાયકામાં ફિલ્મો અને ટેલિવિઝન તરફ વળ્યા. તેઓ હંમેશા સિનેમા તરફ આકર્ષાયા હતા, તેથી તેઓ અભિનય તરફ આગળ વધ્યા અને ચાર દાયકાથી વધુની કારકિર્દીમાં ઘણી મહાન ફિલ્મોનો ભાગ રહ્યા.
રાજકુમાર હિરાનીની બ્લોકબસ્ટર ફિલ્મ ૩ ઇડિયટ્સમાં કડક એન્જીનિયરિંગ પ્રોફેસરની ભૂમિકા ભજવીને તેઓ દરેક ઘરમાં પ્રખ્યાત થયા હતા. તેમનો ડાયલોગ “ક્યા બાત હૈ” આજે પણ સોશિયલ મીડિયા અને મીમ્સમાં ખૂબ ઉપયોગમાં લેવાય છે. આ ઉપરાંત, તેઓ ‘પરિંદા’, ‘દામિની’, ‘ઇન્સાફ’, ‘લગે રહો મુન્નાભાઈ’, ‘પરિણીતા’, ‘રંગીલા’, ‘દાગઃ ધ ફાયર’ અને ‘ચમત્કાર’ જેવી ફિલ્મોમાં મહત્વપૂર્ણ ભૂમિકાઓમાં પણ દેખાયા હતા. ફિલ્મોની સાથે તેમણે ઘણી લોકપ્રિય ટીવી સિરિયલોમાં પણ કામ કર્યું હતું.
અચ્યુત પોટદારે ફિલ્મોની સાથે ટેલિવિઝનની દુનિયામાં પણ પોતાની ઓળખ બનાવી હતી. તેમની અભિનય કારકિર્દીમાં, તેમણે ‘વાગલે કી દુનિયા’, ‘માઝા હોશીલ ના’, ‘મિસિસ તેંડુલકર’ અને ‘ભારત કી ખોજ’ જેવા લોકપ્રિય ટીવી શોમાં કામ કર્યું હતું. તેમના નિધનના સમાચારથી તેમના ચાહકો અને સહ-કલાકારો દુઃખી છે અને સોશિયલ મીડિયા દ્વારા તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.