દક્ષિણ ગુજરાતના રાજકારણમાં ફરી એકવાર ગરમાવો આવ્યો છે. સુરતના ગોડાદરા વિસ્તારમાં આજે (૮ જાન્યુઆરી) સાંજે યોજાનારી આમ આદમી પાર્ટીની ‘પરિવર્તન સભા’ પૂર્વે જ મોટો વિવાદ સર્જાયો છે. આપ નેતાઓના મુસ્લિમ ટોપી પહેરેલા એડિટ કરેલા પોસ્ટરો જાહેર સ્થાનો પર લગાવવામાં આવતા વિશ્વ હિન્દુ પરિષદ મેદાનમાં આવ્યું છે. વીએચપી કાર્યકર્તાઓએ આ પોસ્ટરો પર કાળી શાહી ફેંકી, તે ફાડી નાખીને પોતાનો આક્રોશ ઠાલવ્યો છે.
ગોડાદરા વિસ્તારમાં ઠેર-ઠેર આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા, ચૈતર વસાવા અને મનોજ સોરઠિયાના ફોટા ધરાવતા પોસ્ટરો લગાવવામાં આવ્યા હતા. આ પોસ્ટરોમાં વિવાદનું મુખ્ય કારણ બે બાબતો હતી. તમામ નેતાઓના માથા પર મુસ્લિમ ટોપી પહેરેલી હોય તેવા ફોટા એડિટ કરીને મૂકવામાં આવ્યા હતા.
પોસ્ટર પર નિમંત્રક તરીકે “મીઠી ખાડી મુસ્લિમ સમાજ”નો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમનું સ્થળ હિન્દુ બહુમતી ધરાવતો વિસ્તાર હોવાથી અને તેમાં મુસ્લિમ સમાજ તરફથી આમંત્રણ પાઠવતા આવા પોસ્ટરો જાઈને સ્થાનિક હિન્દુ સંગઠનો લાલઘુમ થઈ ગયા હતા.
ગઈકાલે મોડી રાતથી જ વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરોએ ગોડાદરામાં વિરોધ પ્રદર્શન શરૂ કર્યું હતું. કાર્યકરોએ ગોપાલ ઈટાલિયા સહિતના નેતાઓના પોસ્ટરો પર શાહી લગાવી હતી અને “હિન્દુ વિરોધી નેતાઓને અમારા વિસ્તારમાં આવવા નહીં દઈએ” તેવા સૂત્રોચ્ચાર કર્યા હતા.
વિરોધ કરી રહેલા વિહીપ એક કાર્યકર્તાએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, “જેમ ભૂતકાળમાં બાબર અને ઔરંગઝેબ જેવા મુઘલો ધીરે-ધીરે પગપેસારો કરતા હતા, તેવી જ રીતે આપ અહીં પોતાનો પગ પેસારો કરવાનો પ્રયાસ કરી રહી છે. આજે આ નેતાઓ આવ્યા છે, કાલે તેમની પાછળ અન્ય વિધર્મીઓ આવશે અને પરિણામે લવ-જેહાદ તથા ચેઈન-સ્નેચિંગ જેવી ઘટનાઓ વધશે. અમે આ સહન નહીં કરીએ.”