મન કી બાતના ૧૨૧મા એપિસોડમાં, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દેશ અને દુનિયાને સંબોધિત કરી રહ્યા છે. તેમણે પોતાના સંબોધનની શરૂઆત આતંકવાદ વિરુદ્ધના સંદેશથી કરી. પીએમ મોદીએ કહ્યું કે કાશ્મીરમાં શાંતિ પાછી ફરી રહી છે. ત્યાં પ્રવાસીઓની સંખ્યા વધી રહી હતી. વિકાસ કાર્ય ઝડપી ગતિએ ચાલી રહ્યું હતું. આવી સ્થિતિમાં, કાશ્મીરના દુશ્મનોએ ફરીથી હુમલો કરીને તેને નષ્ટ કરવાનો પ્રયાસ કર્યો છે. પીએમ મોદીએ કહ્યું કે આતંકવાદ સામેની લડાઈમાં દેશના તમામ લોકોની એકતા સૌથી મહત્વપૂર્ણ છે. તેમણે એમ પણ કહ્યું કે આતંકવાદ સામેની આ લડાઈમાં આખી દુનિયા ૧૪૦ કરોડ દેશવાસીઓની સાથે છે.
પોતાના સંબોધનમાં, પીએમ મોદીએ ફરી એકવાર પીડિતોના પરિવારોને ખાતરી આપી કે તેમને ન્યાય મળશે. તેમણે કહ્યું કે ઘણા દેશોના નેતાઓએ તેમની સાથે ફોન પર વાત કરી અને આતંકવાદ સામેની લડાઈમાં ભારતને પોતાનો ટેકો વ્યક્ત કર્યો. તેમણે કહ્યું, “આતંકવાદ સામેની આપણી લડાઈમાં આખી દુનિયા ૧૪૦ કરોડ ભારતીયોની સાથે ઉભી છે. હું ફરી એકવાર પીડિત પરિવારોને ખાતરી આપું છું કે તેમને ન્યાય મળશે, ન્યાયનો વિજય થશે. આ હુમલાના ગુનેગારો અને કાવતરાખોરોને સૌથી કડક જવાબ આપવામાં આવશે.”
પીએમ મોદીએ કહ્યું, “બે દિવસ પહેલા આપણે દેશના મહાન વૈજ્ઞાનિક ડા. કે. કસ્તુરીરંગનજીને ગુમાવ્યા. વિજ્ઞાન, શિક્ષણ અને ભારતના અવકાશ કાર્યક્રમને નવી ઊંચાઈ આપવામાં તેમનું યોગદાન હંમેશા યાદ રહેશે. તેમના નેતૃત્વમાં ઈસરોને એક નવી ઓળખ મળી. તેમણે દેશની નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ તૈયાર કરવામાં પણ મોટી ભૂમિકા ભજવી. ડા. કસ્તુરીરંગને ૨૧મી સદીની આધુનિક જરૂરિયાતો અનુસાર ભવિષ્યલક્ષી શિક્ષણનો વિચાર રજૂ કર્યો. આજે ભારત વૈશ્વીક અવકાશ શક્તિ બની ગયું છે. આપણે એકસાથે ૧૦૪ ઉપગ્રહો લોન્ચ કરીને રેકોર્ડ બનાવ્યો છે. આપણે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર પહોંચનાર પ્રથમ દેશ બન્યા છીએ. ભારત ખૂબ જ ઓછા ખર્ચે અવકાશમાં અસરકારક રીતે કામ કરી રહ્યું છે. ઘણા દેશો તેમના અવકાશ મિશન માટે ઈસરોની મદદ લે છે.”
પીએમએ કહ્યું કે ગયા મહિને મ્યાનમારમાં ભૂકંપને કારણે ભારે વિનાશ થયો હતો, ભારતીય ટીમે કાટમાળ નીચે ફસાયેલા લોકો માટે એક ફિલ્ડ હોસ્પિટલ તૈયાર કરી હતી. ઇજનેરોની એક ટીમે મહત્વપૂર્ણ ઇમારતોને થયેલા નુકસાનનું મૂલ્યાંકન કરવામાં મદદ કરી. ભારતીય ટીમે ત્યાં ધાબળા, તંબુ, સ્લીપિંગ બેગ, દવાઓ, ખાદ્ય પદાર્થો અને બીજી ઘણી વસ્તુઓ પૂરી પાડી. ઇથોપિયામાં રહેતા ભારતીયોએ જન્મથી જ હૃદય રોગથી પીડાતા બાળકોને સારવાર માટે ભારત મોકલવાની પહેલ કરી છે. આવા ઘણા બાળકોને ભારતીય પરિવારો દ્વારા પણ આર્થિક મદદ કરવામાં આવી રહી છે. થોડા દિવસો પહેલા જ, ભારતે અફઘાનિસ્તાન અને આ અઠવાડિયે નેપાળમાં દવાઓ અને રસીઓનો મોટો જથ્થો મોકલ્યો છે. આનાથી ઘણા રોગોની સારી સારવાર શક્ય બનશે.
વડાપ્રધાને કહ્યું હતું કે આતંકવાદીઓ અને તેમના આકાઓ ઇચ્છે છે કે કાશ્મીર ફરીથી બરબાદ થાય અને તેથી જ તેમણે આટલું મોટું કાવતરું અંજામ આપ્યો. દેશ સામેના આ પડકારનો સામનો કરવા માટે આપણે આપણા સંકલ્પને મજબૂત બનાવવો પડશે.
પીએમએ કહ્યું કે, આજે દુનિયા જોઈ રહી છે કે આ આતંકવાદી હુમલા પછી આખો દેશ એક સ્વરમાં બોલી રહ્યો છે. ભારતના લોકોમાં જે ગુસ્સો છે તે આખી દુનિયામાં છે. આ આતંકવાદી હુમલા બાદ, વિશ્વભરમાંથી સતત શોક વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. વૈશ્વીક નેતાઓએ પણ મને ફોન કર્યો છે અને પત્રો લખ્યા છે. આ જઘન્ય આતંકવાદી હુમલાની દરેક વ્યક્તિએ સખત નિંદા કરી છે. પીએમએ એમ પણ કહ્યું કે, હું ફરી એકવાર પીડિત પરિવારોને ખાતરી આપું છું કે તેમને ચોક્કસ ન્યાય મળશે. આ હુમલાના ગુનેગારો અને કાવતરાખોરોને કડક જવાબ આપવામાં આવશે.
જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં ૨૨ એપ્રિલના રોજ એક ભયાનક હુમલો થયો હતો. આ હુમલામાં ૨૬ પ્રવાસીઓ માર્યા ગયા હતા, જેમાં બે વિદેશી પ્રવાસીઓનો પણ સમાવેશ થાય છે. આ હુમલો પુલવામા હુમલા પછીનો સૌથી મોટો હુમલો માનવામાં આવી રહ્યો છે. જ્યાં ૨૬ લોકોના મોત થયા હતા. તે જ સમયે, ઘણા લોકો ઘાયલ પણ થયા છે. આ પછી, ભારતે પાકિસ્તાનના આ નાપાક કૃત્ય સામે કડક કાર્યવાહી કરી છે.