ખીણમાં પરિસ્થિતિ સામાન્ય થવામાં સમય લાગશે
પહેલગામ હુમલા પછી, પોલીસ અને સુરક્ષા દળો આતંકવાદીઓ અને તેમના ઠેકાણાઓ સામે સતત કાર્યવાહી કરી રહ્યા છે. આ દરમિયાન જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાનું એક નિવેદન સામે આવ્યું છે. તેમનું કહેવું છે કે આતંકવાદી હુમલામાં જે પણ સંડોવાયેલો છે તેને પકડવો જાઈએ, પરંતુ તેની અસર જમ્મુ અને કાશ્મીરના નિર્દોષ લોકો પર ન થવી જાઈએ.
મીડિયા સાથે વાત કરતા તેમણે કહ્યું કે કુલગામમાં જે બન્યું તે ન થવું જાઈતું હતું. મુખ્યમંત્રીએ કહ્યંં કે કાશ્મીરમાં અલગ અલગ જગ્યાએથી લોકોની ધરપકડના સમાચાર આવી રહ્યા છે. પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા પર લોકોએ પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે. તેઓ પોતાનો ગુસ્સો બતાવવા માટે રસ્તાઓ પર ઉતરી આવ્યા છે. દોષિતોને સજા થવી જાઈએ, પણ નિર્દોષ લોકોને સજા ન થવી જાઈએ; લોકોને આવું ન લાગવું જાઈએ.
જમ્મુ અને કાશ્મીરની પરિસ્થિતિ અંગે તેમણે કહ્યું કે બધા જાણે છે કે પરિસ્થિતિ શું છે, ખીણમાં પરિસ્થિતિ સુધરવામાં સમય લાગશે. તેમણે કહ્યું કે આપણે સાવધ રહેવું પડશે જેથી ગુનેગારોને સજા આપવાની પ્રક્રિયામાં, સમગ્ર કાશ્મીરના લોકો તેમાં ફસાઈ ન જાય. તેમણે કહ્યું કે તેમણે આ બાબતે સરકારને પોતાના વિચારો પહોંચાડ્યા છે.
ખરેખર, ૨૨ એપ્રિલે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં ૨૬ લોકોએ જીવ ગુમાવ્યા હતા. કાર્યવાહી કરતા, સેના અને પોલીસે પહેલગામ હુમલામાં સામેલ આતંકવાદી આદિલના ઘરમાં બોમ્બ લગાવ્યો હતો અને બુલડોઝરનો ઉપયોગ કરીને આસિફના ઘરને તોડી પાડ્યું હતું. જ્યારે જમ્મુ અને કાશ્મીરમાંથી લગભગ ૨૯૦૦ લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ બધાને પીએસએ એટલે કે જાહેર સલામતી કાયદા અને નિવારક અટકાયતના આધારે જેલમાં રાખવામાં આવ્યા છે. આ કેસની તપાસ કરી રહેલી રાષ્ટ્રીય તપાસ એજન્સીએ લગભગ ૨૫૦ લોકોની પૂછપરછ કરી છે. આમાંથી ૭ લોકોની ઘણી વખત પૂછપરછ કરવામાં આવી છે. તેમાંથી એક ઝિપલાઇન ઓપરેટર મુઝમ્મીલ છે, જેનો વીડિયો વાયરલ થયો હતો.
રવિવારે કાશ્મીરના કુલગામમાં અદબલ નાળામાંથી ૨૨ વર્ષીય ઈમ્તિયાઝ અહમદ માગરેનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે માગરે એક ઓવરગ્રાઉન્ડ વર્કર હતો. તેમણે સુરક્ષા દળોને આતંકવાદીઓનું એક ઠેકાણું પણ બતાવ્યું. આ પછી, તે રવિવારે ફરીથી સેના સાથે આતંકવાદીઓનું બીજું ઠેકાણું બતાવવા જઈ રહ્યો હતો, પરંતુ પછી તે નાળામાં કૂદી ગયો અને ડૂબી જવાથી તેનું મૃત્યુ થયું. પોલીસે ૩ મેના રોજ ઈમ્તિયાઝની ધરપકડ કરી હતી. તપાસમાં જાણવા મળ્યું કે તે આતંકવાદીઓનો સમર્થક હતો, જાકે તેના મૃત્યુ પછી લોકો સેના પર સવાલો ઉઠાવી રહ્યા છે.
પહેલગામમાં થયેલા હુમલા સામે દેશભરમાં વિરોધ પ્રદર્શનો થયા. જમ્મુ અને કાશ્મીરમાં પણ લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને આતંકવાદીઓ સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું અને તેમની સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી. આ હુમલા માટે પાકિસ્તાનને જવાબદાર ઠેરવવામાં આવી રહ્યું છે, જેની સામે સરકારે અનેક કડક પગલાં લીધાં છે. હાલમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ પ્રવર્તી રહી છે.