શહેરમાં સ્પાની આડમાં ચાલતા દેહવ્યાપારના કાળા કારોબાર પર પોલીસે લાલ આંખ કરી છે. આણંદ એસ.ઓ.જી. પોલીસે બાતમીના આધારે શહેરના પોશ વિસ્તારમાં આવેલા સ્પા અને એપાર્ટમેન્ટ પર દરોડા પાડીને મોટા ગેરકાયદેસર રેકેટનો પર્દાફાશ કર્યો છે. આ ઓપરેશનમાં વિદેશી યુવતીઓ સહિત કુલ ૧૪ યુવતીઓની અટકાયત કરવામાં આવી છે.
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આણંદની એસ.ઓ.જી. ટીમને બાતમી મળી હતી કે શહેરમાં સ્પાના નામે ગેરકાયદેસર દેહવ્યાપારની પ્રવૃત્તિઓ ચાલી રહી છે. જેના પગલે પોલીસે સૌપ્રથમ ‘નાના થાઈ સ્પા’ પર દરોડો પાડ્યો હતો. અહીંથી મળેલી કડીઓના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરતા ગોવર્ધન એપાર્ટમેન્ટના ત્રણ ફ્લેટમાં આકસ્મિક સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.આ સર્ચ ઓપરેશન દરમિયાન પોલીસને ચોંકાવનારી સફળતા મળી હતી. પોલીસે એપાર્ટમેન્ટના ફ્લેટમાંથી કુલ ૧૪ યુવતીઓની અટકાયત કરી છે. જેમાં સૌથી વધુ ૧૧ યુવતીઓ થાઈલેન્ડની હોવાનું સામે આવ્યું છે, જ્યારે અન્ય ૩ યુવતીઓ ભારતના અલગ-અલગ રાજ્યોની વતની છે. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આ તમામ યુવતીઓને આણંદ અને પેટલાદ વિસ્તારમાં આવેલા કુલ ચાર સ્પામાં કામ કરવા માટે લાવવામાં આવી હતી. આ સમગ્ર રેકેટના મામલે પોલીસે કાયદેસરની કાર્યવાહી તેજ કરી છે. મેનેજર સુરજ આચાર્ય સહિત સંચાલકો સામે આણંદ ટાઉન પોલીસ મથકે ગુનો નોંધાયો છે. જ્યારે ફરાર સંચાલક જય અને મોહસીન નરસિહદાનીને ઝડપી પાડવા પોલીસે શોધખોળ તેજ કરી છે.
હાલમાં આણંદ ટાઉન પોલીસ આ ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. આ યુવતીઓ વિઝાના કયા નિયમો હેઠળ અહીં આવી હતી અને આ નેટવર્ક કેટલા સમયથી કાર્યરત હતું તે દિશામાં પણ તપાસ કરવામાં આવી રહી છે. સ્પા સેન્ટરોમાં થતી આવી અનૈતિક પ્રવૃત્તિઓ સામે પોલીસની આ કામગીરીથી શહેરના અન્ય સ્પા સંચાલકોમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે.








































