આજથી હોળાષ્ટક શરૂ થઈ રહ્યા છે. મધ્યરાત્રીથી શરૂ થતા હોળાષ્ટકને કારણે આવનારા એક અઠવાડિયા દરમિયાન માંગલિક અને શુભ કાર્યો પર બ્રેક લાગતી જાવા મળશે. હિંદુ પંચાંગ અનુસાર ફાગણ સુદ સાતમથી લઈને ફાગણ સુદ ચૌદશ સુધી હોળાષ્ટકનો કાળ માનવામાં આવે છે. આ સમયગાળાને અસત્યના સમયગાળા સાથે પણ સનાતન ધર્મના ગ્રંથોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેને કારણે હોળાષ્ટકના સમય દરમિયાન તમામ પ્રકારના શુભ માંગલિક અને અન્ય કાર્યો કે જે કોઈ પણ વ્યકિત ની ઉત્તરો ઉત્તર પ્રગતિ માટે હાથ ધરવામાં આવતા હોય છે, તેવા તમામ કામો હોળાષ્ટકમાં ન કરવાનું સૂચન ધર્મગ્રંથોમાં કરવામાં આવ્યું છે.
સનાતન ધર્મના હિંદુ પંચાંગ અનુસાર ફાગણ સુદ સાતમથી લઈને ફાગણ સુદ પૂનમ સુધીના આ સમયગાળાને પ્રકૃતિના નિદર્શન અને તેના અવલોકન માટે રાખવામાં આવ્યો છે. આ સમયગાળા દરમિયાન પ્રકૃતિને લગતા અવલોકન અને તેમાં જાવા મળતા ફેરફારોનું નિદર્શન પણ થતું હોય છે. આ વર્ષે ૨૩ મી ફેબ્રુઆરીથી લઈને ૨જી માર્ચ દરમિયાન ફાગણ સુદ ચૌદશ બાદ પુનમની તિથિ શરૂ થાય છે. પૂનમની તિથિ પંચાંગ પ્રમાણે બીજી માર્ચ અને સોમવારના દિવસે હોળાષ્ટક સમાપ્ત થશે.
ચંદ્ર માસમાં આવતા ચાર ચરણોને પણ ખૂબ જ મહત્વના માનવામાં આવે છે. ખગોળ હવામાન ઋતુ વિજ્ઞાન અને જ્યોતિષની સાથે કૃષિ ઉપજની ક્ષય તેમજ વૃદ્ધિને પણ આ સમય દરમિયાન મહત્વના માનવામાં આવે છે. જેમાં પ્રથમ ચરણમાં શુભ એકમથી સુદ આઠમના પૂર્વાર્ધના સમયને મહત્વનો માનવામાં આવે છે. બીજા ચરણમાં સુદ આઠમના ઉત્તરાર્ધથી લઈને પૂનમ સુધીનો સમય મહત્વનો માનવામાં આવે છે. ત્રીજું ચરણ વદ એકમથી લઈને વદ આઠમના પુર્વાર્ધ સુધીના સમયને નિર્ધારિત કરાયો છે અને ચંદ્ર માસનું ચોથું ચરણ આઠમના ઉત્તરાર્ધથી અમાસની સમાપ્તિ સુધી હોય છે.
હોળાષ્ટકમાં શુભ અને ધાર્મિક કાર્યોને સનાતન ધર્મના ગ્રંથોમાં વર્જિત માનવામાં આવે છે. પરંતુ આ સમય દરમિયાન કેટલાક કાર્યો કરી શકવાની શાસત્રો મંજૂરી પણ આપતા હોય છે. આ સમય દરમિયાન કોઈ વ્યકિત આર્થિક સંકળામણમાં હોય તેમણે વિષ્ણુ મંદિરમાં શાંત ચિતે પોતાની ચંદ્ર રાશિના ગ્રહ કે ઇષ્ટદેવનું જાપ કરવું ખૂબ જ સારું માનવામાં આવે છે. આ સમય દરમિયાન વનવગડામાં પગપાળા અને શકી હોય તો ખુલ્લા પગે પ્રકૃતિની સાથે વસંતના વૈભવને માણવાનું પણ એક અનોખું મહત્વ દર્શાવવામાં આવ્યું છે. હોળાષ્ટકના આ દિવસો દરમિયાન કોઈપણ વ્યકિત પોતાના ઘરના આંગણે બેસીને રાત્રિના સમયે ચંદ્ર કે લક્ષ્મી નારાયણના જાપ પણ કરી શકે છે. કોઈ પણ વ્યકિત લાંબી બીમારીથી પીડિત હોય તે વ્યકિત આ સમય દરમિયાન સૂર્યની ભકિત કરે તો તેને બીમારીમાં લાભ મળતો હોય છે. હોળાષ્ટકના દિવસો દરમિયાન આંબાના વૃક્ષનો મોર પૂનમની વહેલી સવારે લાવી અને તેનો રસ ધુળેટીના દિવસે પીવામાં આવે તો તેને લાભ પ્રદ માનવામાં આવે છે.







































