ગુજરાત વિધાનસભામાં આજે રાજ્યમાં ચાલતી સરકારી અને ગ્રાન્ટ ઇન કોલેજમાં મહેકમ વિશે ભાજપના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાએ પ્રશ્ન પૂછ્યો હતો. જેમાં મંત્રીએ ફોડ પાડ્યો કે ભરતી માટે આયોજન છે પણ એ આવનાર ૧૦ વર્ષમાં કરવામાં આવશે, પરંતુ કયારે કરવામાં આવશે? એ મુદ્દે જવાબ આપવાનું ટાળ્યું હતું.
આ પ્રશ્નના લેખિત જવાબ બાદ ધારાસભ્યએ મંત્રીએ પૂછ્યું કે છોટા ઉદેપુર જિલ્લાની સરકારી અને ગ્રાન્ટ ઈન કોલેજામાં કેટલી જગ્યાઓ ખાલી છે. મંત્રીએ જવાબ આપ્યો કે છોટા ઉદેપુર એમાં ૩ સરકારી કોલેજ આવેલી છે, મદદનીશ પ્રાધ્યાપકની ૨૬ જગ્યાઓ માંથી માત્ર ૬ જગ્યાઓ ઇન્ચાર્જમાં ચાલે છે અને ૪ ગ્રાન્ટ ઈન કોલેજમાં માત્ર ૨ જગ્યાઓ ખાલી છે અને ૫૫ જગ્યાઓ બાકી છે.
આ પ્રશ્નમાં કરજણના ધારાસભ્ય અક્ષય પટેલે પ્રશ્ન પૂછ્યો હતો કે આચાર્ય અને પ્રાધ્યાપકની ભરતી કેવી રીતે કરવામાં આવે છે. તેના જવાબમાં મંત્રી એ જણાવ્યું કે આર્ટસ, કોમર્સ, સાયન્સની પીએચડીની પદવી અને ૧૫ વર્ષના અનુભવવાળાને આચાર્ય તરીકે ભરતી કરવામાં આવે છે.જીપીએસસી દ્વારા ભરતી કરવામાં આવે છે.
આ જ પ્રશ્નમાં પાટણના ધારાસભ્ય પ્રો કિરીટ પટેલે પ્રશ્ન પૂછ્યું કે આ જગ્યાઓ કેટલા સમયથી ખાલી છે. સ્પોર્ટ્સ અને લાઇબ્રેરીયનની ભરતી કરવાનો પ્રશ્ન પૂછ્યો હતો. જેમાં મંત્રીએ જવાબ આપ્યો કે આવનાર ૧૦ વર્ષ માટે ભરતી કેલેન્ડર છે જે મુજબ રોસ્ટર નિભાવીને ભરતી કરવામાં આવે છે.