ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર શેન વોટસન આઇપીએલ ૨૦૨૬ પહેલા કોલકાતા નાઈટ રાઈડર્સ (કેકેઆર) માં જાડાયા છે. કેકેઆરએ જાહેરાત કરી કે વોટસન સહાયક કોચ તરીકે સેવા આપશે. ઓસ્ટ્રેલિયા માટે ૫૯ ટેસ્ટ, ૧૯૦ વનડે અને ૫૮ ટી૨૦ આંતરરાષ્ટ્રીય મેચ રમનાર વોટસને પોતાની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં ૧૦,૦૦૦ થી વધુ રન બનાવ્યા છે અને ત્રણેય ફોર્મેટમાં ૨૮૦ થી વધુ વિકેટ લીધી છે.વોટસન ૨૦૦૭ અને ૨૦૧૫માં ઓસ્ટ્રેલિયાની વર્લ્ડ કપ વિજેતા ટીમોનો મુખ્ય ભાગ હતો. તે ૨૦૦૮ થી ૨૦૨૦ સુધી ખેલાડી તરીકે આઈપીએલમાં પણ રમ્યો હતો. તેણે આઈપીએલમાં ૧૪૫ મેચ રમી હતી. તે રાજસ્થાન રોયલ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સની ચેમ્પિયંસ ટીમોનો પણ ભાગ હતો.  ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા પછી, વોટસને વિશ્વભરની ટી૨૦ લીગમાં કોચિંગ અને માર્ગદર્શનની ભૂમિકાઓ ભજવી છે. કેકેઆરમાં જાડાયા પછી, વોટસને કહ્યું, “હું કોલકાતાને બીજા ખિતાબ તરફ દોરી જવા માટે કોચિંગ ગ્રુપ અને ખેલાડીઓ સાથે કામ કરવા આતુર છું.કેકેઆરના સીઇઓ વેંકી મૈસૂરએ જણાવ્યું હતું કે, “અમને કેકેઆર પરિવારમાં શેન વોટસનનું સ્વાગત કરતાં આનંદ થાય છે. ખેલાડી અને કોચ તરીકેનો તેમનો અનુભવ અમારી ટીમ સંસ્કૃતિ અને તૈયારીમાં મોટો ફાળો આપશે.” કેકેઆરએ અગાઉ અભિષેક નાયરને મુખ્ય કોચ તરીકે નિયુક્ત કર્યા હતા. મુંબઈના ભૂતપૂર્વ ઓલરાઉન્ડર નાયરને કેકેઆર સાથે વ્યાપક અનુભવ છે.આઇપીએલ ૨૦૨૫ માં ટીમનું પ્રદર્શન નબળું રહ્યું હતું, અને કેકેઆર હવે તેની ટીમને મજબૂત બનાવવા માંગે છે. કેકેઆર તેમની ૧૪ લીગ મેચમાંથી ફક્ત પાંચ જીતીને પ્લેઓફ માટે ક્વોલિફાય થઈ શક્્યું નથી.