વેપારી પ્રજા ગુજરાતી તરીકે આપણે ધંધામાં સીઝનલ એવો શબ્દપ્રયોગ કરીએ છીએ. અમુક વસ્તુ, કે સેવાની અમુક મોસમમાં જ જરૂરિયાત ઉભી થતી હોય છે અને એટલા સમય પુરતી તેની ખપત અને વેપાર રહેતો હોય છે. બાકીના સમયમાં તેની માંગ રહેતી નથી. જો કે એની તૈયારી એ સિવાયના સમયમાં કરતી રહેવી પડે છે. જેથી કરીને સિઝનમાં વેપાર સારો થાય. જેમ પેસિફિક મહાસાગરની ફરતે પડેલા સુષુપ્ત જવાળામુખીની “રીંગ ઓફ ફાયર”ની જેમ આંદોલનો ચૂંટણીઓ આવતા ઉકળવા લગતા હોય છે. જેમ ટેક્ટોનીક્સ પ્લેટમાં મુવમેન્ટ થાય અને રીંગ એક્ટીવ થાય તેમ ચૂંટણી આવતા આંદોલનો અને ચળવળો સક્રીય થાય છે. દરેક રાજકીય પક્ષનું નાક દબાવવાનો આ આદર્શ સમય હોય છે. સામા છેડે રાજકીય પક્ષો પણ આના માટે તૈયાર હોય છે. મોટાભાગના આંદોલનો આવા સીઝનલ હોવાનો હિન્દુસ્તાનનો રાજકીય ઈતિહાસ છે. હિન્દુસ્તાનની રાજનીતિની આ તરેહ રહી છે. આંદોલનને ઘણી વખત સમસ્યા નિરાકરણ માટેના સાધન તરીકે જોવાને બદલે મતબેંકના ઉદ્દીપક તરીકે વધારે જોવામાં આવે છે. આંદોલન જો સાચી દિશામાં હોય અને વાજબી મુદ્દાનું હોય તો એ પોતાના અંતિમ સુધી ન પહોચે ત્યાં સુધી એનો વેગ અને તીવ્રતા ઓછા થતા નથી. આંદોલન સાથે રાજનીતિ જોડાવી સ્વાભાવિક છે, કારણકે એ નાનામોટા કોઈ વર્ગને લઈને ચાલતું હોય છે. રાજનીતિ જોડાતા આંદોલનની દિશા અને દશા બંનેમાં ફેરફાર થાય એ સ્વાભાવિક છે.

૨૦૨૨ સામાન્ય વિધાનસભાની ચૂંટણીનો રાજકીય માહોલ ગરમાઈ રહ્યો છે. પાંચ વર્ષ પૂર્વે થયેલી વિધાનસભા સમયે ઉદભવેલા આંદોલનોની દિશા અને દશાનું આકલન કરવાનો ઉચિત સમય છે. ૨૦૧૭ની વિધાનસભા પહેલા ત્રણ આંદોલન ઉભા થયેલા. દલિત, ઠાકોર અને પાટીદાર આંદોલન. ત્રણે જ્ઞાતિગત આંદોલન હતા અને ત્રણેય આંદોલન યુવા આગેવાનો દ્વારા સંચાલિત હતા. એ સમયે જે તે જ્ઞાતિએ આ યુવાઓને પોતાના હીરો તરીકે પ્રસ્થાપિત કરી દીધેલા. દલિત અને ઠાકોર આંદોલનો એક એક આગેવાન સંચાલિત હતા જયારે પાટીદાર આંદોલન શરૂઆતમાં ટીમ દ્વારા સંચાલિત હતું, જે ચૂંટણી આવતા આવતા ટીમ વિખેરાઈ ગયેલી અને મુદ્દો ચાતરીને એક યા બીજા રાજકીય પક્ષોને શરતી કે બિનશરતી ટેકા જાહેર કરી દીધેલા. જે તીવ્રતાથી આંદોલન શરુ થયેલુ આજે એ તીવ્રતા લગભગ ખતમ થઇ ગઈ છે. આંદોલનની આડમાં લગભગ બધા આગેવાનોએ રાજકીય હિત સાધી લીધું છે. આંદોલનના ખભે પગ મુકીને જે આગેવાનો વિધાનસભામાં પહોચી ગયા છે તેનું જ્ઞાતી પ્રત્યેનું ઝનૂન, ખમીર અને આંદોલના મુદ્દાઓ વાતાનુકુલિત વિધાનગૃહમાં ઠંડા પડી ગયા છે. આ થવું સ્વાભાવિક છે, કારણકે આંદોલનની જમીન અને રાજનીતિની જમીન અલગ છે. રાજકીય જમીન પર આંદોલન જેવી તીવ્રતા ચાલતી નથી. પાટીદાર આંદોલન પાસે અનામત જેવી સ્પષ્ટ માંગણી હતી. જેના પરિણામે ૨૦૧૯માં ૧૦૩મો બંધારણીય સુધારા અંગેનો ખરડો પસાર કરીને આર્થિક રીતે પછાત વર્ગ માટે ૧૦ ટકા અનામતની જોગવાઈ કરવામાં આવી હતી. આ દ્રષ્ટીએ પાટીદાર આંદોલન કઈક અંશે સફળ થયું ગણાય. પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલ વખત જતા કોંગ્રેસમાં સામેલ થયા અને પક્ષનો કાર્યકારી પ્રમુખ જેવો હોદ્દો મળ્યો. જેના લીધે તેનું કદ વધ્યું. એ બીજી વાત છે કે એમણે કોંગ્રેસ છોડી દીધી છે. આ આંદોલન થકી ઉદ્દેશ સફળ થયો છે અને નેતા સફળ થવાનો પ્રયત્ન કરી રહ્યા છે.

બીજું આંદોલન ઠાકોર સમાજનું આંદોલન હતું. આ આંદોલનની વિવિધ માંગણીઓ હતી. આંદોલન વ્યસનમુક્તિ, ઉચ્ચ શિક્ષણ માટે યુનીવર્સીટી અને આર્થિક સહાય, બેરોજગારો માટે રોજગારી જેવા કાયમી રાજકીય મુદ્દાઓ આધારિત હતું. સરકારે બિરસા મૂંડા આદિજાતિ યુનિવર્સીટીની સ્થાપના કરી છે. આ આંદોલન કઈક અંશે સફળ થયું છે પણ નેતા સત્તા પક્ષમાં સામેલ થઈને ચૂંટણી જીતી શક્યા નથી. અને નિષ્ફળ નીવડ્યા છે. ત્રીજું આંદોલન દલિત આંદોલન હતું. આ આંદોલન સામાજિક અન્યાય અને તેની સામે સશક્તિકરણ પામેલા દલિત સમાજ વ્યવસ્થા સામે હતું. પ્રથમ વખત દલિતો આટલી તાકાત સાથે બહાર આવ્યા. દલિતોનો દરેક તબકો સામેલ થયો. નવી દલિત નેતાગીરી ઉદભવી. આંદોલન થકી સામાજિક સમરસતા સ્થપાઈ કે નહિ એ ચર્ચા અને ભવિષ્યનો પ્રશ્ન છે, પણ દલિતોની એકતા અને રાજકીય સોદાશક્તિ જરૂર વધી. આગેવાન ચૂંટાઈને વિધાનસભામાં ગયા અને કોંગ્રેસ પક્ષમાં સામેલ થયા છે.

આંદોલનની ઉંચાઈ શુ હોઈ શકે છે ? જયપ્રકાશ નારાયણે સંપૂર્ણ ક્રાંતિ આંદોલન કર્યું હતું અને રામલીલા મેદાન પરથી સરકારને લલકાર ફેંક્યો હતો કે ‘સિંહાસન ખાલી કરો કિ જનતા આતી હૈ…’,  જે આંદોલને કેન્દ્રમાં નેતૃત્વ પરિવર્તન કરાવી નાખ્યું. નેતૃત્વની ઉંચાઈ એ હતી કે સમય જતા એ આંદોલન આગેવાનના નામે, આંદોલન ‘જેપી આંદોલન’ તરીકે ઓળખાઈ ગયું. આંદોલન નવી નેતાગીરી પેદા કરે છે અને સાથે સાથે કોઈ હયાત નેતાગીરીનો ભોગ પણ લે છે. નેતા વિના સ્વયંભુ પ્રગટેલ આંદોલન પણ સમય જતા નેતાગીરી મેળવી લે છે. સવાલ યોગ્ય હાથમાં નેતૃત્વ જવાનો છે. આંદોલનનો ઉદ્દેશ પૂરો થઇ ગયા બાદ કે માંગણી સંતોષાઈ ગયા પછી આંદોલન પૂરું થાય છે પણ નાનું, મોટું, નબળું સબળું નેતૃત્વ છોડતું જાય છે. પછી એ આગેવાને પોતાના દમ પર રાજકીય જગ્યા બનાવવી પડે છે, આંદોલનના મુદ્દાઓ અને આંદોલનની ભીડનું પીઠબળ રહેતું નથી. એ મુદ્દા પૂરતા જનાધારના ભ્રમમાંથી આગેવાને બહાર આવી જવું પડે છે. કોઈ પક્ષમાં સામેલ થયા બાદ વિચારધારા એ પક્ષની વિચારધારા પુરતી સીમિત કરવી પડે છે, કારણકે આંદોલનની તરેહ પર રાજકીય પક્ષ નથી ચાલતો. પક્ષ શિસ્તબદ્ધ આચરણ માંગે છે.

ક્વિક નોટ — પ્રમાણિક રાજકારણી એટલે એ માણસ જે એકવાર ખરીદાઈ ગયા પછી વેચાતો નથી, એ ખરીદાયેલો જ રહે છે. — સાઈમન કેમરોન