ગુજરાતમાં ઉત્તરાયણ એટલે કે મકરસંક્રાંતિના તહેવારનું આગવું મહ¥વ છે. સમગ્ર રાજ્યના પતંગ રસિયાઓ રંગબેરંગી પતંગો હવામાં ઉડાડીને ઉત્તરાયણનો તહેવાર ઉજવે છે. આ વર્ષે ‘આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ ૨૦૨૬’નું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે ૧૨મી જાન્યુઆરી ૨૦૨૬ના રોજ સવારે સાબરમતી રિવરફ્રન્ટ, અમદાવાદ ખાતે કરવામાં આવશે. આ ઉદ્ઘાટન સમારોહમાં જર્મનીના ચાન્સેલર ફ્રેડરીક મર્ઝની પ્રેરક ઉપસ્થિતિ રહેશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ‘આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ’નું આયોજન પુરજાશમાં કરવામાં આવી રહ્યું છે.
આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં ૫૦ દેશોના ૧૩૫ આંતરરાષ્ટ્રીય પતંગબાજા, ભારતના ૧૩ રાજ્યોમાંથી ૬૫ તથા ગુજરાતના ૧૬ જિલ્લાઓમાંથી ૮૭૧ પતંગબાજા એમ કુલ મળીને ૧૦૭૧ પતંગ રસિયાઓ ભાગ લેશે. આ મહોત્સવ દરમિયાન ૨૫ હસ્તકલા સ્ટોલ અને ૧૫ ફૂડ સ્ટોલ કાર્યરત રહેશે, જે સ્થાનિક કલા, હસ્તકલા અને સ્થાનિક વ્યંજનોને પ્રોત્સાહન આપશે.
આ વર્ષે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ અમદાવાદ ઉપરાંત રાજકોટ, સુરત અને કચ્છના ધોળાવીરામાં ૧૦મી જાન્યુઆરી ૨૦૨૬, વડનગર, શિવરાજપુર તથા સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં ૧૧ જાન્યુઆરી ૨૦૨૬ તેમજ વડોદરા ખાતે ૧૩ જાન્યુઆરી ૨૦૨૬ના રોજ યોજાશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, વર્ષ ૨૦૨૫માં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવે સમગ્ર ગુજરાતમાં ૩.૮૩ લાખથી વધુ મુલાકાતીઓને આકર્ષ્યા હતા. ‘આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ’ દ્વારા ગુજરાત ટૂરિઝમ આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય સ્તરે અગ્રણી સાંસ્કૃતિક અને પ્રવાસન સ્થળોમાં પ્રવાસીઓને આકર્ષિત કરી રહ્યું છે. જેના પરિણામ સ્વરૂપે આ વર્ષે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં અંદાજિત પાંચ લાખથી વધુ પ્રવાસીઓ ગુજરાતની મુલાકાતે આવશે તેમ ગુજરાત ટૂરિઝમની યાદીમાં જણાવાયું છે.





































