દેશમાં એક નેતા ઘણા સમયથી વીર સાવરકરના એક પત્રનું સ્વઅર્થઘટન કરીને સાવરકરના જીવનપર્યંત બલિદાનને મિથ્યા ઠેરવવાનો પ્રયાસ કરી રહ્યા છે. છેક લંડન જઈને ઘોષણા કરી આવે છે કે આ સંગઠન કટ્ટરપંથી અને ફાંસીવાદી છે. કહેવામાં આવે છે કે આરએસએસ મુસ્લિમ બ્રધરહૂડની તર્જ પર બન્યું છે. સંસદમાં, સંસદની બહાર આ વાત દોહરાવવાનો કોઈ મોકો છોડવામાં આવી રહ્યો નથી. કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેના પુત્ર પ્રિયાંક ખડગેએ કોઈપણ જાતના સાંકળતા પ્રસંગ, ઘટના વિના એક નિવેદન બહાર પાડ્યું કે જો અમે કેન્દ્રમાં સત્તામાં આવશું તો આરએસએસ પર પ્રતિબંધ મૂકી દઈશું. આ એક તરીકો છે, ચોક્કસ ચરણોમાં સાષ્ટાંગ દંડવત કરીને હાજરી પુરાવવાનો કે અમે પરિવારની વિચારધારાને આક્રમક રીતે આગળ વધારી રહ્યા છીએ. કોંગ્રેસની સાવરકર પ્રત્યેની ધ્રુણા આજકાલની નથી. રાહુલ ગાંધી દ્વારા ઘણા નિવેદનોમાં આ ધ્રુણા છલકતી દેખાઈ આવે છે. કોંગ્રેસ દ્વારા સાવરકર અને આરએસએસનો આટલો વિરોધ કેમ કરવામાં આવે છે ? દેખીતું કારણ આગળ ધરવામાં આવે છે એ એવું છે કે કોંગ્રેસ માની રહી છે કે ગાંધીજીની હત્યામાં આરએસએસનો હાથ હતો. કોંગ્રેસ આ સંગઠનનો વ્યાપ, તાકાત અને સમર્પણ બખૂબી જાણે છે. ભાજપ આ સંગઠનના ગોત્રમાંથી જ આવે છે એ પણ જાણે છે. આ સંગઠન ભાજપની અસલી તાકાત છે એ પણ જાણે છે. સંઘ પર હુમલો આડકતરી રીતે ભાજપ પર હુમલો જ છે એ દીવા જેવી સ્પષ્ટ વાત છે. જયારે સરકારને ઘેરવા માટે ખાસ અસરકારક મુદ્દાઓ નથી ત્યારે સંઘ પર હુમલો કરીને ભાજપને ઉશ્કેરતો રહેવો એ રણનીતિ હોઈ શકે છે. સરકારના વિરોધ મુદ્દે દરેક નેરેટીવ તોડી પાડવામાં આવે છે ત્યારે કોઈ એવો મુદ્દો કે જેનો કોઈ ચોક્કસ ખુલાસો જ ન હોઈ શકે, કોઈ એવો આક્ષેપ કે જેનો જવાબ આસાનીથી નકારી શકાય, લાંબા સમય સુધી કામ કરે છે.
આ શાશ્વત વિરોધના ઝુમખામાં સંઘ ઉપરાંત દેશના બે ત્રણ અગ્રગણ્ય ગુજરાતી ઉદ્યોગપતિઓ, બંધારણ, લોકશાહી, અઘોષિત કટોકટી જેવા ચિરંતન મુદ્દાઓ સામેલ છે. દેશના બંધારણ દ્વારા સ્થાપિત અને સંચાલિત દેશની કરોડરજ્જુ જેવી સંસ્થાઓમાં વારે વારે અવિશ્વાસ વ્યક્ત કરવો અને તેના કાર્યો સામે સવાલો ઉભા કરતા રહેવા, દેશના કોઈપણ મુદ્દે દેશની વિરુદ્ધમાં જે હોય તેની સાથે જઈને ઉભું રહેવું, દેશને તોડતી તાકાતોને સાથ આપવો કે સતત મજબૂત બનાવતી રહેવી, કોઈપણ જગ્યાએ દેશ અંગે કોઈ સારી ભાવના હોવાનું સાબિત થતું નથી. દેશમાં બંધારણને બદલવાની હિલચાલ ચાલી રહી છે…. દેશમાં લોકશાહી ખતરામાં છે….. દેશમાં અઘોષિત કટોકટી ચાલી રહી છે….. વડાપ્રધાન ફલાણા ફલાણા મુદ્દે દેશને ગુમરાહ કરી રહ્યા છે…. સરકાર સંસદમાં બોલવા નથી દેતી….. જેવા વિરોધના નિવેદનો તમે ગમે ત્યાં, ગમે ત્યારે, ગમે તેની સામે ફેંકી શકો છે. એ માટે તથ્યો રજૂ કરવાની જરૂર રહેતી નથી. હા, ક્યારેક કોઈ દાવો કોર્ટમાં પડકારે તો ત્યાં જઈને માફી માંગી લેવાથી મામલો પતી જાય છે. દેશી ભાષામાં એને થુકેલું ચાટવું કહેવાય છે.
દરઅસલ આ બધી બાબતોના મૂળિયા ખુબ ઉંડા છે. ધર્મ નામના શબ્દે પહેલીવાર હિન્દુસ્તાનની સરજમીન પર ખુલ્લી હવામાં સ્વચ્છ શ્વાસ લીધો છે. હજારો વર્ષોથી વિધર્મીઓની ઠોકરો ખાતી હિંદુ આસ્થાનું લાલઘુમ સ્વરૂપ બહાર આવ્યું છે. જે આસ્થાને પગની એડી તળે મસળતા રહેવાની જેમને ટેવ હતી એ પગ તળેની જમીન જ સરકી ગઈ છે. જે સ્થાપિત વોટબેંક હતી તેમાં સેંધ લાગી ગઈ છે. સત્તા છૂટ્યે એક દાયકા ઉપરનો સમય વીતી ગયો છે. દરબારીઓની ભીડ ઓછી થતી જઈ રહી છે. પક્ષના એકલદોકલ ચાટુકારો સિવાય કોઈ તમારી ભાષા નથી બોલતા. તમારી આ દેશ માટેની ઘાતક માનસિકતાને લઈને પક્ષના એક પછી એક મોટા ગજાના નેતાઓ પક્ષ છોડીને નીકળી રહ્યા છે. બહાર નીકળીને મોદી અને તમારી સરખામણી અનુક્રમે એફ-૧૬ ફાઈટર અને રીક્ષા સાથે કરી રહ્યા છે, એ પક્ષમાંથી શું જોઇને બહાર નીકળ્યા છે ? તમારી આજુબાજુ બેઠેલા તમારા સલાહકારો તો સવાયા દેશવિરોધી નિવેદનો ઓકી રહ્યા છે. એમના વિરોધ અને નફરતની ભેદરેખા પાતળી છે. વિરોધ કોઈ નીતિ, નિર્ણય, યોજના, આયોજન પ્રત્યે અસંમતી આધારે હોય છે, નફરત માન્યતા, પૂર્વગ્રહ આધારિત હોય છે. ‘ફોરમ ઓફ ડેમોક્રેટિક લીડર્સ ઇન ધ એશિયા પેસિફિક’ નામની એક સંસ્થા છે. જેને અમેરિકન ઉદ્યોગપતિ જ્યોર્જ સોરોસનું ફંડિંગ છે. આ જ્યોર્જ સોરોસ જાહેરમાં કબૂલી ચુક્યા છે કે તેણે મોદી સરકારને અસ્થિર કરવા એક બિલિયન ડોલરનું ફંડ કામે લગાડ્યું છે. આ સંસ્થા તેની વેબસાઈટ પર પાકિસ્તાનના ગુણગાન ગાય છે અને ભારતની લોકશાહીને ગાળો આપે છે. કાશ્મીરને સ્વતંત્ર બતાવે છે, વાત ત્યાં પૂરી થાય છે કે આ સંસ્થાના ચાર પૈકી એક કો-પ્રેસિડેન્ટ શ્રીમતિ સોનિયા ગાંધી છે. શા માટે ભારત વિરોધી એલીમેન્ટ્સની સાથે ઉભું રહેવું પડે છે ? શા માટે એવા દેશોના સમર્થનમાં બોલાઈ કે લખાઈ જાય છે જે ભારતના દુશ્મનો છે ? શું કારણ છે કે કોઈ ભાવનાત્મક મુદ્દે દેશ આખો એકજૂટ હોય છે ત્યારે તમે સામા કાંઠે દેખાઓ છો ? કોંગ્રેસે વાપસી કરવી હશે તો આ માનસિકતા છોડવી પડશે. નવું નેતૃત્વ સ્વીકારવું પડશે. એક્સ્પેરીમેન્ટ એરામાંથી બહાર આવવું પડશે. દેશની ભાવનાઓ વિરુદ્ધ ચાલીને ક્યારેય સત્તા નહિ મળે, સામે ભીંત પર લખેલું વાંચી સમજી લેવું પડશે. દરેક મુદ્દે કોઈ પક્ષ વિરુદ્ધ રહેવું રાજનીતિ હોઈ શકે છે, પણ એકાદ મુદ્દે પણ દેશ વિરુદ્ધ રહેવું રાજકીય આત્મહત્યા છે.