(ભાભી સાહેબની મુલાકાત પૂર્વે)
નવા રતનપરમાં અવતાર લેવો અને પછી ભણવું પણ ખરું તે એક બહુ જ મોટું પાપ છે. ગુનો છે – સામાજિક અપરાધ. અને ભણ્યા પછી તમને જો નોકરી ન મળે તો તે બહુ મોટો ગુનો છે. સામાજિક મહાઅપરાધ. મેં આવો અપરાધ કરેલો. અંગ્રેજી વિષય સાથે બીએ થયા પછી મેં એમએ જોઈન્ટ કરેલું પરંતુ રહી રહીને મને બ્રહ્મજ્ઞાન થયું કે એકેડમીક ભણતરની કોઈ જરૂર જ નથી. જે કંઈ કરવું છે તેના માટે ફક્ત પ્રથમ ધોરણમાં ભણેલા કક્કો-બારખડી, પહેલી- બીજી એબીસીડી અને સરવાળા-
બાદબાકીનું જ્ઞાન તો કાફી છે. એના માટે કોઈ શિક્ષકની જરૂર નથી. ફક્ત વાંચતા લખતા આવડે એટલે તમારી સમક્ષ જ્ઞાનની એક વિશાળ દુનિયા ખુલે છે. બસ આ બ્રહ્મજ્ઞાનના કારણે મેં ભણવાનું છોડી દીધું. અને નોકરી? એ તો મળી જ નહીં ! નોકરી માટે અરજદાર બનવામાં જ મારો ઈગો હર્ટ થતો હતો ! ગામ મારા ઉપર તૂટી પડ્યુંઃ ‘‘ભગવાન કાકાનો નાણિયો હત્તર ચોપડી ભણ્યો પણ નોકરી તો મળી નહીં ! છોકરાઓને ન ભણાવાય, કામે વળગાડી દેવાય…’’
લેખક તો હું નાનપણથી જ હતો. પાંચમાં ધોરણથી. ઘરે બેઠા જ લખવાથી કંઈક મળતું હતું. પરંતુ ગામને મારી બેકારીની બહુ જ ચિંતા હતી. મેગેઝીનમાં, છાપાઓમાં મારી વાર્તાઓ છપાતી તો લોકો એમ માનતા કે આ વાર્તાઓ છપાવવાના હું પૈસા આપું છું. કોઈને એ વાત ગળે ઉતરતી નહોતી કે લેખકને લખવાનું કંઈક મળે પણ છે. એટલે જે મળે તે પૂછતું હતુંઃ ‘‘એલા તું તો બહુ ભણ્યો !! તને નોકરી નથી મળતી?’’
– નોકરી નથી મળતી?
– તને નોકરી નથી મળતી?
– એલા, તને નોકરી નથી મળતી?
અમદાવાદઃ ૨૦૦૨
એ વખતે અમદાવાદના થિયેટર એન્ડ મીડિયા સેન્ટરના ડાયરેક્ટર હસમુખ બારાડી હતા. એમને એ વાતની ખબર નહોતી કે હું મારા ગામ નવા રતનપરમાં ‘‘મને પત્રકારની નોકરી મળી ગઈ છે.’’ એમ કહીને આવ્યો હતો. મેં અસલમાં અહીં સ્ક્રિપ્ટ રાઇટીંગનો કોર્સ જોઈન કર્યો હતો અને ક્લાસમાં હું બેસતો નહીં. ક્યારેક મહેમાન કલાકારની જેમ ક્લાસમાં આવતો પણ હતો. અમદાવાદનું ધ્યાન રાખવાની જવાબદારી મારી હોય એ રીતે હું આખા ગામમાં રખડતો. મારો મેઇન અડ્ડો ગુજરાતી સાહિત્ય પરિષદ હતો. રાત્રે વિજય ચાર રસ્તા નજીક આવેલ પીસી પોઇન્ટ (મીડિયા મનુષ્યોનું રાત્રી થાણું)ની મુલાકાત પણ લેતો. આ બધું પાછું હું બારાડી સાહેબને કહેતો પણ ખરો. બારાડી સાહેબ એક માસ્ટર તરીકે કડક ખરા પણ આપણી બધી વાત મિત્ર તરીકે સાંભળે પણ ખરા. પણ એટલું ખરું કે એમને મારી રખડપટ્ટી બહુ ગમતી નહીં એ કહેતા ‘‘નારણ, તું તારા ગામડેથી અહીંયા જે કરવા માટે આવ્યો છે તે કર તારું રખડવાનું બંધ કર.’’
એક દિવસ મેં એમને કહ્યું સાહેબ હું એક મેગેઝીન ચાલુ કરું છું. ૫૦૦ રૂપિયા આપો. ૧૨૦ રૂપિયા લવાજમ છે અને બાકીની રકમ તમારે અમારા મેગેઝીનને શુભેચ્છા જાહેરાત પેટે આપી દેવાની છે. બારાડી સાહેબે કશું જ વિચાર્યા વગર યોગેશભાઈ પાસેથી ૫૦૦ રૂપિયા મંગાવ્યા મારા હાથમાં મુક્યા અને કહ્યું કે ‘‘તું સામાન નાખી દે.’’
આઈ વોઝ ખુશખુશાલ. પણ મારી સામે થોડી વાર એ જોઈ રહ્યા અને પછી એમની સ્ટાઇલ પ્રમાણે એમણે અટ્ટહાસ્ય કર્યું અને ફરીથી શાંત થઈને બોલ્યાઃ નારણ, જો તું મજાક કરતો હોય તો વાત બરાબર છે પણ વાત સાચી હોય તો તને બે ઝાપટ મારવાનું મન છે.
મેં કહ્યુંઃ ‘‘વ્હાય સર?’’
તો એમણે કહ્યુંઃ ‘‘તારે આપઘાત કરવો હોય તો કાંકરિયામાં જઈને કૂદી પડ…’’
મેં કહ્યુંઃ ‘‘હું આપઘાતમાં માનતો પણ નથી અને હું શા માટે આપઘાત કરું? હા, કોઈને કરવો હોય તો મદદ કરું..’’
પણ બારાડી સાહેબે કહ્યુંઃ ‘‘તું મેગેઝીન ચાલુ કરી રહ્યો છે એ મજાક હોય તો મને વાંધો નથી પણ તું ખરેખર શરૂ કરી રહ્યો હોય તો તે એક આપઘાત છે અને આવા આપઘાત કરતા કાંકરિયામાં પડીને કરેલો આપઘાત સસ્તો પડે અને એનાથી તું રિબાઇશ પણ ઓછો.’’ આમ કહીને ફરી એમણે એમનું ટિપિકલ અટ્ટહાસ્ય કર્યું.
મેં કહ્યું આ રૂ.૫૦૦ જે લીધા છે એ હું તમને પાછા આપવાનો નથી અને મારા મેગેઝીનનું નામ છે – ‘‘હિલ્લોલ’’
naranbaraiya277@gmail.com