ડીએમકે સાંસદ એ રાજાએ ભાજપ પર નિશાન સાધ્યું છે અને દાવો કર્યો છે કે ભગવા પક્ષ ક્યારેય તમિલનાડુમાં પોતાના પગ જમાવી શકશે નહીં. આનું કારણ આપતા એ રાજાએ કહ્યું કે ભાજપની વિચારધારાનો સામનો કરવા માટે તમિલનાડુમાં દ્રવિડ વિચારધારા છે. રવિવારે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તમિલનાડુના પ્રવાસે હતા અને મદુરાઈમાં એક રેલીને સંબોધિત કરતી વખતે, તેમણે તમિલનાડુની ડીએમકે સરકાર પર ભ્રષ્ટાચારના ગંભીર આરોપો લગાવ્યા અને દાવો કર્યો કે આગામી વિધાનસભા ચૂંટણીમાં ભાજપ તમિલનાડુમાં સરકાર બનાવશે.
સોમવારે ચેન્નાઈમાં એક પત્રકાર પરિષદને સંબોધતા, ડીએમકે સાંસદે અમિત શાહના આરોપોને ફગાવી દીધા અને દાવો કર્યો કે ગૃહમંત્રીએ જૂઠું બોલ્યું અને ડીએમકે સામે ખોટા આરોપો લગાવ્યા. લોકસભા સાંસદે કહ્યું, “અરવિંદ કેજરીવાલ કેવી રીતે સત્તામાં આવ્યા… તેમણે ફક્ત ભ્રષ્ટાચારનો વિરોધ કર્યો, પરંતુ તેમની પાસે કોઈ વિચારધારા નહોતી. અમે અમિત શાહ અને મોદીથી ડરતા નથી કારણ કે આ સામાન્ય લોકો છે. તેમની વિચારધારા દરેક જગ્યાએ ઘેરાઈ રહી છે અને તેઓ જીતી રહ્યા છે, પરંતુ તેઓ અહીં જીતી શકતા નથી કારણ કે તેમની વિચારધારાનો સામનો કરવા માટે અમારી વિચારધારા છે.” જાહેરાત એ રાજાએ કહ્યું કે ‘જ્યાં સુધી દ્રવિડ વિચારધારા અહીં છે ત્યાં સુધી કોઈ તમિલનાડુમાં પોતાના પગ જમાવી શકશે નહીં. અમે દિલ્હી, મહારાષ્ટ્ર કે હરિયાણા નથી. અમે દ્રવિડ છીએ અને ભાજપ અહીં આવી શકશે નહીં.’ અમિત શાહે ડીએમકે સરકાર પર ૪૬૦૦ કરોડ રૂપિયાના ખાણકામ કૌભાંડમાં સંડોવણીનો આરોપ લગાવ્યો હતો. આવતા વર્ષે તમિલનાડુમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે અને ભાજપ રાજ્યમાં એઆઈએડીએમકે સાથે જાડાણ કરીને ચૂંટણી લડશે. ડીએમકે સાંસદે કેન્દ્ર સરકાર પર વસ્તી ગણતરી અને સીમાંકનના મુદ્દા પર પણ આરોપ લગાવ્યો. તેમણે કહ્યું કે જ્યારે ભાજપ વિરોધમાં હતી, ત્યારે તેઓએ જાતિ વસ્તી ગણતરીનો વિરોધ કર્યો હતો, તો પછી હવે તેઓએ પોતાનો વિચાર કેમ બદલ્યો? એ રાજાએ ભાજપ પર તમિલનાડુમાં સાંપ્રદાયિક ભેદભાવ પેદા કરવાનો અને તેનો રાજકીય લાભ લેવાનો આરોપ લગાવ્યો.