યુએસ રાષ્ટ્રીપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરના સુપ્રીમ કોર્ટના નિર્ણયને સંપૂર્ણપણે અવગણીને, વૈશ્વીક ટેરિફમાં મોટો વધારો જાહેર કર્યો છે. શુક્રવારે સુપ્રીમ કોર્ટે ટ્રમ્પ વહીવટીતંત્રના જંગી ટેરિફને રદ કરી દીધા, તેમને ગેરબંધારણીય અથવા ગેરકાયદેસર જાહેર કર્યા, પરંતુ રાષ્ટ્રીપતિએ એક દિવસ પછી જ તેમની નીતિ કડક કરવાનો નિર્ણય લીધો. ટ્રમ્પે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ, ટ‰થ સોશિયલ પર પોસ્ટ કરીને જાહેરાત કરી કે, તાત્કાલિક અસરથી, વિશ્વભરના તમામ દેશોથી આયાત પર ટેરિફ ૧૦ ટકાથી વધારીને ૧૫ ટકા કરવામાં આવશે.
યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યું, “તાત્કાલિક અસરકારકતાથી, વિશ્વભરના તમામ દેશો પર ૧૦ ટકા ટેરિફ ૧૫ ટકા કરવામાં આવશે.” ટ્રમ્પે કહ્યું કે ઘણા દેશો દાયકાઓથી યુનાઇટેડ સ્ટેટ્સનો લાભ લઈ રહ્યા છે, પરંતુ હવે તેમની સરકાર તેમને રોકી રહી છે. તેમણે કહ્યું કે આગામી મહિનાઓમાં, તેઓ વધુ નવા કરને અંતિમ સ્વરૂપ આપશે, જે કાયદેસર હશે. તેમનું લક્ષ્ય અમેરિકાને વધુ મજબૂત અને મહાન બનાવવાનું છે – પહેલા કરતાં વધુ!”
ટ્રમ્પે આ નિર્ણય ૧૯૭૪ના ટ્રેડ એક્ટની કલમ ૧૨૨ હેઠળ લીધો હતો, જે ચુકવણી ખાધના સંતુલનનીસ્થિતિમાં રાષ્ટ્રીપતિને ૧૫૦ દિવસ સુધી ૧૫ ટકા સુધી ટેરિફ લાદવાની મંજૂરી આપે છે. અગાઉ, ટ્રમ્પે શુક્રવારે ૧૦ ટકાનો કામચલાઉ વૈશ્વીક ટેરિફ લાદ્યો હતો. હવે, ૧૫ ટકા સુધી વધારા સાથે, આ ટેરિફ મહત્તમ મર્યાદા સુધી પહોંચી ગયો છે.
ટ્રમ્પના આ પગલાની આંતરરાષ્ટ્રીય વેપાર પર ઊંડી અસર પડી શકે છે. ટ્રમ્પે વારંવાર ભાર મૂક્યો છે કે લાંબા ગાળાના નુકસાનથી યુનાઇટેડ સ્ટેટ્સને બચાવવા માટે ટેરિફ જરૂરી છે. તેમણે કહ્યું કે અગાઉની સરકારોએ અન્ય દેશોને યુનાઇટેડ સ્ટેટ્સનો લાભ લેવાની મંજૂરી આપી હતી, પરંતુ હવે પરિસ્થિતિ બદલાઈ રહી છે. સ્પષ્ટપણે, ટ્રમ્પ તેમની “અમેરિકા ફર્સ્ટ” નીતિ પ્રત્યે પ્રતિબદ્ધ છે.








































