અમેરિકા સાથે વધતા તણાવ વચ્ચે મંગળવારે મધ્ય ઈરાનમાં એક લશ્કરી હેલિકોપ્ટર ક્રેશ થયું. મધ્ય ઈરાનમાં એક ફળ અને શાકભાજી બજારમાં હેલિકોપ્ટર ક્રેશ થયું, જેમાં ઓછામાં ઓછા ચાર લોકોના મોત થયા. ઈરાની રાજ્ય ટેલિવિઝન અનુસાર, આ અકસ્માત ઈરાનની રાજધાની તેહરાનથી લગભગ ૩૩૦ કિલોમીટર (૨૦૫ માઇલ) દક્ષિણમાં ઇસ્ફહાન પ્રાંતના દોરચેહ શહેરમાં થયો હતો.
ઈરાની વાયુસેનાનું એરબેઝ ઈરાનના મુખ્ય પરમાણુ સ્થળ, ઇસ્ફહાન નજીક આવેલું છે. જૂનમાં ઈરાન-ઇઝરાયલ યુદ્ધ દરમિયાન અમેરિકાએ આ પરમાણુ સ્થળ પર હુમલો કર્યો હતો. તેણે ફોર્ડો અને નાતાન્ઝ પરમાણુ સ્થળો પર પણ બોમ્બમારો કર્યો હતો. સરકારી ટેલિવિઝન અનુસાર, તાલીમ ઉડાન દરમિયાન લશ્કરી હેલિકોપ્ટર ક્રેશ થયું હતું.
દુર્ઘટનામાં પાઇલટ અને સહ-પાઇલટનું મૃત્યુ થયું. ફૂટેજમાં હેલિકોપ્ટરનો કાટમાળ અને બજારમાંથી ધુમાડો નીકળતો જાવા મળ્યો છે. ઈરાનની અર્ધ-સત્તાવાર સમાચાર એજન્સી, ફાર્સે અહેવાલ આપ્યો છે કે બજારમાં જમીન પર બે લોકો માર્યા ગયા છે. ઈરાનમાં એક અઠવાડિયા કરતાં ઓછા સમયમાં આ બીજા અકસ્માત છે. તાજેતરમાં, પશ્ચિમી ઈરાની શહેર હમાદાન નજીક એક એફ-૪ ફાઇટર જેટ ક્રેશ થયું હતું, જેમાં પાઇલટનું મૃત્યુ થયું હતું. ઈરાનનો જીવલેણ અકસ્માતોનો ઇતિહાસ છે. પશ્ચિમી પ્રતિબંધોએ ઈરાનને વિમાનના ભાગોનો પુરવઠો બંધ કરી દીધો છે. ઈરાન તેની સરકારી અને વાણિજીયક  એરલાઇન્સ બંને માટે જૂના હેલિકોપ્ટર અને વિમાનોના કાફલા પર આધાર રાખે છે.