જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં પ્રવાસીઓ પર થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી ગયો છે. દરમિયાન, યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા ટેમી બ્રુસે કહ્યું છે કે યુએસ પીએમ મોદીને સંપૂર્ણ સમર્થન આપી રહ્યું છે. અમેરિકા દ્વારા જારી કરાયેલા આ નિવેદન બાદ પાકિસ્તાનમાં હોબાળો મચી ગયો છે. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા ટેમી બ્રુસે જણાવ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ટ્રમ્પ વહીવટીતંત્ર તરફથી સંપૂર્ણ સમર્થન મળ્યું છે. તેમણે કહ્યું કે પહેલગામ આતંકવાદી હુમલા પછી તેઓ ભારત અને પાકિસ્તાનની સરકારો સાથે સતત સંપર્કમાં છે.
યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તાએ કહ્યું, “અમે નજીકથી નજર રાખી રહ્યા છીએ. ગઈકાલે, યુએસ સ્ટેટ સેક્રેટરી માર્કો રુબિયોએ ભારતીય વિદેશ મંત્રી એસ જયશંકર અને પાકિસ્તાની વડાપ્રધાન શાહબાઝ શરીફ સાથે વાત કરી હતી. જેમ કે રાષ્ટÙપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગયા અઠવાડિયે પીએમ મોદીને કહ્યું હતું કે, આતંકવાદ સામેની લડાઈમાં યુનાઇટેડ સ્ટેટ્સ ભારતની સાથે મજબૂત રીતે ઉભું છે અને વડાપ્રધાન મોદીને અમારું સંપૂર્ણ સમર્થન છે.”
ટેમી બ્રુસે વધુમાં જણાવ્યું હતું કે, “સેક્રેટરીએ બંને દેશોને એક જવાબદાર ઉકેલ તરફ કામ કરવા પ્રોત્સાહિત કર્યા જે દક્ષિણ એશિયામાં લાંબા ગાળાની શાંતિ અને પ્રાદેશિક સ્થિરતાનું નિર્માણ કરશે. જેમ મેં ઉલ્લેખ કર્યો છે, અમે ઘણા સ્તરે બંને સરકારો સાથે સંપર્કમાં છીએ.” જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું બંને દેશો વચ્ચે તણાવ ઓછો કરવાના આહ્વાન પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે? આ અંગે ટેમી બ્રુસે કહ્યું, “અમે બંને પક્ષો પાસેથી જવાબદાર ઉકેલ શોધી રહ્યા છીએ.”
તમને જણાવી દઈએ કે અમેરિકાનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે પહેલગામ હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે. આ દરમિયાન પાકિસ્તાન દ્વારા સતત યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે. તે જ સમયે, ભારતે સરહદ પારના આતંકવાદને સમર્થન આપવા બદલ પાકિસ્તાન વિરુદ્ધ અનેક પગલાં લીધાં છે. આમાં સિંધુ જળ સંધિને સ્થગિત કરવાનો અને અટારી ખાતે સંકલિત ચેક પોસ્ટ બંધ કરવાનો સમાવેશ થાય છે. ભારતે હાઇ કમિશનની સંખ્યા ઘટાડવાનો પણ નિર્ણય લીધો છે.