અમેરિકામાં ફરી એકવાર ગોળીબારની મોટી ઘટના બની છે. આ ઘટના ફોનિક્સમાં બની હતી. ફોનિક્સના એક રેસ્ટોરન્ટમાં નવ લોકોને ગોળી મારી દેવામાં આવી છે. પોલીસે આ ઘટના અંગે માહિતી આપી છે. ગ્લેન્ડેલ પોલીસ અધિકારી મોરોની મેન્ડેઝે ઘટનાસ્થળે જણાવ્યું હતું કે પોલીસે સાંજે લગભગ ૭ઃ૪૫ વાગ્યે એલ કેમેરોન ગિગાન્ટે મેરિસ્કોસ અને સ્ટેકહાઉસમાં ગોળીબારની જાણ થતાં જ ઘટનાસ્થળે પહોંચી હતી.
મેન્ડેઝે જણાવ્યું હતું કે, પ્રારંભિક તપાસ દરમિયાન પીડિતોની સંખ્યા તાત્કાલિક સ્પષ્ટ થઈ ન હતી, પરંતુ નવ લોકોને ગોળી વાગી હોવાનું માનવામાં આવે છે. પીડિતોની તબીબી સ્થિતિ વિશે તાત્કાલિક માહિતી ઉપલબ્ધ નહોતી. મેન્ડેઝના જણાવ્યા મુજબ, પોલીસ માને છે કે આ ઘટનામાં એક કરતાં વધુ શૂટર સામેલ હતા. તપાસકર્તાઓએ કોઈ શંકાસ્પદ વ્યક્તિની અટકાયત કરી નથી, પરંતુ ઘણા લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે.
દરમિયાન, અમે તમને અહીં એ પણ જણાવી દઈએ કે અમેરિકામાં ગોળીબારની ઘટનાઓ સામાન્ય છે. ઘણીવાર અહીંથી ગોળીબારના સમાચાર આવે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, છેલ્લા ૫૦ વર્ષોમાં, આ બંદૂક સંસ્કૃતિને કારણે ૧૫ લાખથી વધુ અમેરિકનોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. અમેરિકાની વસ્તી આશરે ૩૩ કરોડ છે પરંતુ શસ્ત્રોની સંખ્યા ૪૦ કરોડ સુધી પહોંચી ગઈ છે. અમેરિકાના નિયમો અનુસાર, રાઇફલ અથવા નાની બંદૂક ખરીદવા માટે લઘુત્તમ વય મર્યાદા ૧૮ વર્ષ છે અને અન્ય શસ્ત્રો માટે તે ૨૧ વર્ષ છે.