આપ આગેવાનોએ કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું
આમ આદમી પાર્ટીના કિસાન સેલ અને મુખ્ય સંગઠને ગુજરાતના મુખ્યમંત્રીને આવેદનપત્ર આપીને કેન્દ્ર સરકાર દ્વારા અમેરિકાથી આયાત થતા કપાસ પરના કરવેરા રદ કરવાના નિર્ણયનો વિરોધ કર્યો છે. છછઁનો દાવો છે કે આ નિર્ણય ભારતીય અને ખાસ કરીને ગુજરાતના કપાસ ઉત્પાદક ખેડૂતો માટે અત્યંત નુકસાનકારક છે. આવેદનપત્રમાં જણાવાયું છે કે ૧૯ ઓગસ્ટે નાણા વિભાગે વિદેશથી કપાસની મુક્ત આયાતને છૂટ આપી, જે દેશની જરૂરિયાત કરતાં વધુ કપાસનું ઉત્પાદન થતું હોવાથી ખેડૂતોને સીધું નુકસાન કરશે.
અમરેલી જિલ્લા સાહિત ભારતીય કપાસને બજારમાં આવવા માટે બે મહિના જેવો સમય બાકી છે ત્યારે અમેરિકાથી આવતા કપાસ પર કરવેરા રદ કરવામાં આવતા ભારતીય ખેડૂતો સાથે કેન્દ્ર સરકારે છળકપટની નીતિ અપનાવી છે. અમેરિકા ભારત પર ઉંચો ટેરિફ લાદી રહ્યું છે ત્યારે ભારત અમેરિકાના કપાસને કરવેરા મુકત કરીને લાલ જાજમ પાથરી રહ્યું છે. તેથી આમ આદમી પાર્ટીએ માંગ કરી છે કે કપાસ પરના કરવેરા ફરી લાગુ કરવામાં આવે અને જો નિર્ણય રદ નહીં થાય તો તેઓ ખેડૂતોના હિત માટે લડતની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.