વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દિવસીય અમેરિકાની મુલાકાતે છે. આ દરમિયાન પીએમ મોદીએ ક્વાડ સમિટમાં ભાગ લીધો હતો. પીએમ મોદીની આ મુલાકાત દરમિયાન અમેરિકાના રાષ્ટÙપતિ જા બિડેને ભારતને ભેટ આપી હતી. અમેરિકાએ ભારતને ૨૯૭ પ્રાચીન મૂલ્યવાન કલાકૃતિઓ સોંપી છે. આ કલાકૃતિઓને ભારતમાંથી વિદેશમાં દાણચોરી કરવામાં આવી હતી. અમેરિકાએ છેલ્લા ૧૦ વર્ષમાં ભારતને આવી ૫૭૮ ઐતિહાસિક વસ્તુઓ આપી છે.
નરેન્દ્ર મોદીની અગાઉની અમેરિકાની મુલાકાતો પણ ભારતમાં પ્રાચીન વસ્તુઓ પરત કરવાના સંદર્ભમાં ઘણી સફળ રહી છે. વર્ષ ૨૦૨૧માં જ્યારે પીએમ મોદીએ અમેરિકાની મુલાકાત લીધી ત્યારે યુએસ સરકારે ૧૫૭ પ્રાચીન વારસો ભારતને પરત કર્યા હતા. ૧૨મી સદીની કાંસ્ય નટરાજની પ્રતિમા પણ ૨૦૨૧માં પરત કરવામાં આવેલ પ્રાચીન વારસામાં સામેલ હતી.
અમૂલ્ય પ્રાચીન કલાકૃતિઓને સોંપવા અંગે પીએમ મોદીએ કહ્યું કે આપણે સાંસ્કૃતિક સંબંધોને વધુ ગાઢ બનાવવા પડશે અને સાંસ્કૃતિક સંપત્તિની ગેરકાયદે હેરફેર સામેની લડાઈને મજબૂત કરવી પડશે. ભારતને ૨૯૭ અમૂલ્ય પ્રાચીન વસ્તુઓ પરત કરવા બદલ હું રાષ્ટ્રપતિ બિડેન અને યુએસ સરકારનો ખૂબ જ આભારી છું.
તમને જણાવી દઈએ કે, જુલાઈ ૨૦૨૪માં દિલ્હીમાં ૪૬મી વર્લ્ડ હેરિટેજ કમિટીના અવસર પર ભારત અને અમેરિકાએ પહેલીવાર ‘સાંસ્કૃતિક સંપત્તિ કરાર’ પર હસ્તાક્ષર કર્યા હતા. જેનો હેતુ ભારતમાંથી અમેરિકામાં ભારતીય પ્રાચીન વસ્તુઓની ગેરકાયદેસર દાણચોરી રોકવાનો હતો. જા કે, છેલ્લા ૧૦ વર્ષમાં એક તરફ દાણચોરી બંધ થઈ છે તો બીજી તરફ ભારતને પ્રાચીન વારસો મળ્યો છે.