મેગાસ્ટાર અમિતાભ બચ્ચને મુંબઈના ઓશિવારા સ્થીત તેમના વૈભવી એપાર્ટમેન્ટને ૮૩ કરોડ રૂપિયામાં વેચીને મોટો નફો કમાવ્યો. તેમણે આ જ મિલકત લગભગ ચાર વર્ષ પહેલાં એપ્રિલ ૨૦૨૧માં ૩૧ કરોડ રૂપિયામાં ખરીદી હતી. આ વૈભવી ડુપ્લેક્સ એપાર્ટમેન્ટમાં એક સમયે અભિનેત્રી કૃતિ સેનન રહેતી હતી અને તેનું ભાડું દર મહિને ૧૦ લાખ રૂપિયા હતું.
સ્ક્વેર યાર્ડ્‌સ અનુસાર, આ ડુપ્લેક્સ એપાર્ટમેન્ટ ઓશિવારામાં અપસ્કેલ રહેણાંક પ્રોજેક્ટ ‘ધ એટલાન્ટીસ’ ક્રિસ્ટલ ગ્રુપમાં આવેલું છે. અમિતાભ બચ્ચને એપ્રિલ ૨૦૨૧ માં આ મિલકત ૩૧ કરોડ રૂપિયામાં ખરીદી હતી. જાન્યુઆરીમાં, મેગાસ્ટારે આ જ મિલકત ૮૩ કરોડ રૂપિયામાં વેચી દીધી હતી, જેનાથી તેમને ૧૬૮ ટકાનો જંગી નફો થયો હતો. આ વેચાણ વ્યવહાર પર રૂ. ૪.૯૮ કરોડની સ્ટેમ્પ ડ્યુટી અને રૂ. ૩૦,૦૦૦ નોંધણી ફી વસૂલવામાં આવી હતી.
આ વૈભવી ડુપ્લેક્સ એપાર્ટમેન્ટ ૫,૭૦૪ ચોરસ ફૂટના બિલ્ટ-અપ એરિયા અને ૫,૧૮૫.૬૨ ચોરસ ફૂટના કાર્પેટ એરિયામાં ફેલાયેલું હોવાનું કહેવાય છે. તે ૨૭મા અને ૨૮મા માળે આવેલું છે. તેમાં એક મોટો ટેરેસ અને છ કાર પા‹કગ જગ્યાઓ છે. નોંધનીય છે કે આ એ જ મિલકત છે જે બિગ બીએ નવેમ્બર ૨૦૨૧ માં કૃતિ સેનનને બે વર્ષ માટે ભાડે આપી હતી. આ માટે અભિનેત્રીએ દર મહિને ૧૦ લાખ રૂપિયા ભાડું ચૂકવ્યું હતું અને ૬૦ લાખ રૂપિયા જમા કરાવ્યા હતા.
વર્ષ ૨૦૨૪ માં, અમિતાભ અને અભિષેક બચ્ચને શહેરના મધ્યમાં મુલુંડમાં સ્થીત ઓબેરોય રિયલ્ટીના પ્રીમિયમ રહેણાંક પ્રોજેક્ટ ‘એટર્નિયા’ માં ૧૦ એપાર્ટમેન્ટ ખરીદ્યા. બચ્ચન પરિવારે રિયલ એસ્ટેટમાં ૧૦૦ કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હોવાનું કહેવાય છે.
વર્કફ્રન્ટની વાત કરીએ તો, બિગ બી આગામી ફિલ્મ ‘સેક્શન ૮૪’ માં જોવા મળશે, જે રિભુ દાસગુપ્તા દ્વારા લખાયેલ અને દિગ્દર્શિત છે. તેની પાસે બ્લોકબસ્ટર ‘કલ્કી ૨૮૯૮ એડી’નો બીજા ભાગ પણ છે, જેમાં તે અશ્વત્થામાની ભૂમિકા ભજવી રહ્યો છે. આ ફ્રેન્ચાઇઝીમાં પ્રભાસ અને દીપિકા પાદુકોણ પણ મુખ્ય ભૂમિકામાં છે.