ભારત દેવોની અને કેળવણીની ભૂમિ છે. કંકરમાં શંકર છે. પ્રાચીન વૈદિક સમયગાળા દરમિયાન ગુરુકુળ વ્યવસ્થામાં વિદ્યાર્થીઓની યોગ્યતાના આધારે રસ, રુચિ, કૌશલ્ય અને આવડતના આધારે શિક્ષણ આપવામાં આવતું હતું. ભારતની પ્રાચીન વિદ્યાપીઠો જેવી કે, તક્ષશિલા, નાલંદા, વિક્રમશીલા, વલભી, કાશી જેવી વિશ્વની નામાંકિત વિદ્યાપીઠોમાં રાજકુંવરથી માંડીને વિદ્યાના ઉપાસકોને ઉત્તમ અને પ્રશિષ્ટ સમાજવ્યવસ્થાને કેન્દ્રસ્થાને રાખી શિક્ષણનું મૂલ્ય શીખવવામાં આવતું હતું. તે સમયના ગુરુકુળના આચાર્યશ્રીઓ અભ્યાસુ, વિદ્વાન, દીર્ઘઆયોજકો અને વિનમ્ર હતા. પ્રકૃતિના ખોળે ગુરુકુળ વ્યવસ્થાથી વિદ્યાર્થીઓને રાષ્ટ્રભાવના અને સમાજ વ્યવસ્થાના પ્રકલ્પોને જીવનમાં નિર્માણ કરવાનું શિક્ષણ આપવામાં આવતું હતું. જીવન જીવવાની કલા શીખવવામાં આવતી હતી. અને આજે ટકા કે ટકાવારી લાવવા માટે માનસિક, શારીરિક અને ધાક-ધમકીથી તારે આટલા પી.આર. અથવા તો ટકા લાવવા જ પડશે તો જ તું હોશિયાર વિદ્યાર્થી કહેવાઈશ. ગજા વગરની ગધેડી અને મણ-મણની ગુણો મૂકી દઈએ તો શું હાલત થાય?
શિક્ષણના કહેવાતા જીવો બાળકોની ક્ષમતાને ધ્યાનમાં રાખ્યા વગર જનરલ ડાયરની જેમ ટકાવારી લાવવાની પીપુડીઓ વગાડનારને શિક્ષક કહેવાય? બાળકોમાં નૈતિકતા, નિયમિતતા અને નમ્રતા જેવા અતિ મહત્વના મૂલ્ય ગુણો ખીલવવા જોઈએ. વિદ્યાર્થીઓમાં આચરણ થકી અનુકરણ થવું જોઈએ. આજે મોટાભાગના સાહેબો વાંચતા નથી. માત્ર ખાટલામાંથી ઊભા થયા અને સીધા વર્ગમાં પ્રવેશ્યા. પિરિયડ પૂર્ણ, દિવસ પૂર્ણ મને તો એવું લાગે છે કે જીવન પૂર્ણ.
શાળા એ જ્ઞાનની ગંગોત્રી અને યમુનોત્રી છે. જ્ઞાનની સરિતા તો ભર ઉનાળે વર્ગમાં વહેવી જોઈએ. બાળકોમાં આ મારી શાળા છે તેઓ આદર્શ ભાવ નિર્માણ કરવો પડશે. હું મારી સ્કૂલમાં નિયમિત આવીશ. વર્ગમાં ભણાવતા ગુરુજનોના આદર્શોનું ચુસ્ત અમલીકરણ કરીશ. હું નિયમિત સ્વચ્છતા, સુંદરતા અને સમયપાલનનો અમલ કરીશ. શાળાની બેન્ચીસ કે ભૌતિક વ્યવસ્થાને નુકસાન કરીશ નહીં. કોઈ પણ વિદ્યાર્થી નુકસાન કરતો હશે તો તેને રોકીશ. આ મારી શાળા છે તેવું સ્વાભિમાન નિર્માણ કરીશ. શાળાની પ્રાર્થના સભામાં નિયમિત ધ્યાન ધરીશ. એકાગ્રચિતે પ્રભુ સ્મરણ કરીશ અને કહીશ કે મને ઉત્તમ શિક્ષણ પ્રાપ્ત થાય તેવી શક્તિ આપજો. મા સરસ્વતીના ધામમાં મારું યોગ્ય ઘડતર થાય તેવા ઉત્તમ વિચારો મારામાં કંડારીશ. શ્રેષ્ઠ ભાવના સાથે મારુ સ્વાભિમાન મારી શાળા છે. આ બાબત સતત મારા મગજમાં રાખીશ. શિક્ષણ એ સિંહણનું ધાવણ છે. ડો. બાબા સાહેબ આંબેડકરએ કહ્યું છે કે, એક શાળા શરૂ થાય છે ત્યારે એક જેલ બંધ થાય છે. આટલા વાક્યમાં સમાજ વ્યવસ્થાના આધારસ્તંભો નિર્માણ કરવાની સૌથી મહત્વની જવાબદારી શિક્ષક મિત્રોની છે.આજે સોશિયલ મીડિયા તેમજ ફાસ્ટફૂડ વાળા ખોરાક આરોગીને વિદ્યાર્થીઓમાં ટેન્શન, ગુસ્સો અને અનૈતિક કાર્ય કરવાની ગતિ ધીમે ધીમે વ્યાપક બની રહી છે. નૈતિક મૂલ્યો નિર્માણ કરવા માટે શિસ્ત અને શિક્ષણ અનિવાર્ય છે. સેવન્થ ડે સ્કૂલ મણીનગરમાં ધોરણ આઠના વિધર્મી વિદ્યાર્થીએ ધોરણ દસમાના વિદ્યાર્થીને ઘાતક હથિયાર દ્વારા લોહીલુહાણ કરવાથી તે વિદ્યાર્થીનું અવસાન થયું. આજે ૧૪ વર્ષના બાળકમાં આટલી હદે જવાની તાકાત ક્યાંથી આવી તે બાબતે સંશોધન કરવાની તાતી જરૂરિયાત છે. બાળકોમાં એકાગ્રશક્તિ અને સત્ય, અહિંસા, આચરણ, માન, સન્માન, શિક્ષણ, કેળવણી, વિવેક, નમ્રતા, નિયમિતતા, પર્યાવરણ, પ્રદૂષણ મુક્ત, પ્લાસ્ટિક મુક્ત, રાષ્ટ્રપ્રેમ, શાળાપ્રેમ, શિક્ષણપ્રેમ, પારિવારિક ભાવના, સમૂહ ભાવના, સત્કાર ભાવના, આદરભાવ જેવા અનેક મૂલ્યો કેળવવાની તાતી જરૂરિયાત છે. હાલ શાળાઓ માત્ર સિલેબસ પતાવવાનું કામ કરે છે. વિદ્યાર્થીનું ભણવાનું પૂર્ણ, પરીક્ષામાં ટકા આવી ગયા એટલે જાણે કે કેળવણીની કીર્તિ મેળવી લીધી હોય તેવી અનુભૂતિ કરનારા વેપારીઓ ક્યારેય પણ શિક્ષણનું હિત ઇચ્છી શકશે નહીં. શિક્ષણનો વ્યાપાર એટલે રાષ્ટ્રનું પતન. ઘરે મા-બાપ પણ વિદ્યાર્થીઓનું ધ્યાન રાખતા નથી. બસ તેમને પણ લક્ષ્મી કમાવામાં સૌથી વધારે રસ હોય છે. વિદ્યાર્થી શાળામાં શું કરે છે, કેવું ભણે છે, કેવા સંસ્કારો તેનામાં નિર્માણ થયા છે તે જોવાનો કોઈ સમય રહ્યો નહીં. એટલે આવી આપત્તિઓ અને વિપત્તિઓ આવવાની છે.
મારી શાળા, મારુ સ્વાભિમાન ત્યારે જ વિદ્યાર્થીઓમાં નિર્માણ થશે જ્યારે તમે બાળકો સાથે આત્મીયતાસભર તેમની સાથે અનુબંધ બાંધી શિક્ષણની યાત્રાને કેળવવા માટે કમર બાંધશો ત્યારે વિદ્યાર્થીઓમાં શાળા પરત્વે અલૌકિક ભાવના નિર્માણ થશે. કોઠારી કમિશનને કહ્યું છે કે ભારતનું ભાવિ વર્ગખંડમાં ઘડાઈ રહ્યું છે તેને ઉત્તમ શિક્ષણ, સંસ્કાર અને સમજ આપવાની જવાબદારી શિક્ષક મિત્રોની છે. પહેલા સોટી વાગે સમસમ અને વિદ્યા આવે ધમધમ આજે તો વિદ્યાર્થીઓને સામાન્ય એક બે લપાટ કે ઝાપટ મારી હોય તો વાલીઓ નિયમો અને ફરિયાદ કરવાની ધમકી આપે છે. સરકારે પણ વિચાર્યા વગર એવા નિયમો બનાવી દીધા છે કે શિક્ષકો વામણા બની ગયા છે. પાકિસ્તાન ભારત ઉપર આક્રમણ કરે તે વખતે ભારત પાકિસ્તાન સાથે એમ કહે કે તમારે જેટલા હુમલા કરવા હોય એટલા કરો, અમે શાંતિથી જોઈ રહીશું. હાલ પરિસ્થિતિ શાળાઓમાં આવી થઈ ગઈ છે. અનુશાસન અને શિસ્તકીય બાબતો વિદ્યાર્થીઓમાં કંડારવા માટે કડકાઈ સાથે સ્નેહ, પ્રેમ અને આચરણ ભાવ હોવો જોઈએ. આજે વર્ગમાં શેરમાર્કેટ જેવી પરિસ્થિતિ હોય છે. ભણાવવાની જગ્યાએ સાહેબો ૩૫ મિનિટમાં ૧૫ મિનિટ વર્ગને શાંત કરવા માટે રાડો નાખે છે. શાંત વર્ગ અને સંયમથી શિક્ષણ આપવા માટે બાળકોને નૈતિક મૂલ્યો સાથે અમારું સ્વાભિમાન, અમારી શાળા છે તે કંડારવા માટે શિક્ષક મિત્રોએ પ્રાર્થના સભામાં નિયમિત દિન વિશેષ, વ્યક્તિ વિશેષ, આદર્શ સેવાકીય પ્રવૃત્તિઓ અને તે થકી વર્ગ વ્યવસ્થા નિર્માણ કરવા માટે કટિબદ્ધ બનવું જોઈએ. વિદ્યાર્થીઓમાં બુનિયાદી શિક્ષણ અને કૌશલવર્ધક પ્રશિક્ષણ આપવા માટે પ્રયાસ કરવો જોઈએ. વિદ્યાર્થીઓમાં સ્વચ્છતા અને વ્યસન મુક્તિના અભિયાનને નિર્માણ કરવા શાળાથી પાયો મજબૂત કરી શકાશે. શાળા સલામતી, શાળા સ્વચ્છતા અને શાળા શિક્ષણમય બનાવવા માટે બાળકોની અંદર નિયમિતતા અને વિનમ્રતા કેળવવી જ રહી તો જ શિક્ષણનો વ્યાપ વધશે તેવું સ્પષ્ટ માનું છું. રાષ્ટ્રીય સ્વૈચ્છિક સંઘ દ્વારા જે અભિયાન સપ્ટેમ્બર મહિનામાં શરૂ થનાર છે તેમના અભિગમને આવકારું છું. રાજ્ય સરકાર શિક્ષણના જે પ્રશ્નો છે તેને તરત ઉકેલી આપી ભરતી કરી શિક્ષકો, બાળકો અને પટાવાળા નિયમિત ભરતીથી શાળાઓને આપે તો ઉપરોક્ત કાર્ય સમયમર્યાદામાં સારી રીતે થઈ શકશે. વંદે માતરમ. ભારત માતાકી જય..
ર્સ્.૯૮૨૫૭૦૨૨૮૨
વિયા