અમેરિકન અવકાશયાત્રીઓ સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર લગભગ નવ મહિના અવકાશમાં વિતાવ્યા પછી સુરક્ષિત રીતે પૃથ્વી પર પાછા ફર્યા છે. ગયા વર્ષે જૂનથી અવકાશમાં ફસાયેલા આ અવકાશયાત્રીઓને ઘણા પડકારોનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ આખરે તેમનું અવકાશયાન ફ્લોરિડા કિનારે સફળતાપૂર્વક ઉતરાણ કર્યું. સુનિતા વિલિયમ્સના પૃથ્વી પર સુરક્ષિત પાછા ફરવા બદલ અભિનેતા આર. માધવને પોતાની ખુશી વ્યક્ત કરતી પોસ્ટ શેર કરી છે.
સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોરનું અવકાશયાન પૃથ્વી પર સુરક્ષિત રીતે ઉતરાણ કર્યું છે. ભારતીય સમય મુજબ બુધવારે વહેલી સવારે ઉતરાણ થયું. આ સમાચાર પર આખી દુનિયામાં ઉજવણી થઈ રહી છે. ભારતની પુત્રી સુનિતા વિલિયમ્સની સલામત વાપસી પર અભિનેતા આર. માધવને આજે બુધવારે ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી. તેમણે લખ્યું કે આખરે પ્રાર્થનાઓ સ્વીકારાઈ.
આર. માધવને લખ્યું, ‘પૃથ્વી પર ફરી સ્વાગત છે અમારા પ્રિય સુનિતા વિલિયમ્સ.’ આખરે અમારી પ્રાર્થનાઓનો જવાબ મળ્યો. તમને સુરક્ષિત અને હસતા જાઈને ખૂબ જ સારું અને આશ્વાસન મળે છે. અવકાશમાં ૨૬૦ થી વધુ અનિશ્ચિત દિવસો પછી તમારું પુનરાગમન, આ બધું ભગવાનની કૃપાને કારણે છે. લાખો લોકોની પ્રાર્થનાઓ સ્વીકારાઈ છે. આખી ટીમમાં બધાએ ખૂબ સારું કામ કર્યું. ભગવાન તમને આશીર્વાદ આપે.
અવકાશયાત્રીઓના પાછા ફર્યા બાદ નાસાએ એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે, બધા અવકાશયાત્રીઓ સુરક્ષિત રીતે પૃથ્વી પર પાછા ફર્યા છે. નાસાએ જણાવ્યું હતું કે બધા મુસાફરો સ્વસ્થ છે. તેને નિરીક્ષણ હેઠળ રાખવામાં આવશે. સમુદ્રમાંથી બહાર કાઢવાની પ્રક્રિયાનો ઉલ્લેખ કરતા નાસાએ કહ્યું કે, કોસ્ટ ગાર્ડ ટીમે ખૂબ સારું કામ કર્યું. સફળ વાપસી બાદ, સ્પેસએક્સના માલિક એલોન મસ્કે પણ અભિનંદન પાઠવ્યા.