અમર ડેરી તથા અમર ડેરી સંચાલિત વિવિધ દૂધ મંડળીઓમાં શુક્રવારે સવારે ૧૦ઃ૦૦ કલાકે રાષ્ટ્રગીત “વંદે માતરમ્‌” ના ૧૫૦મા વર્ષની ઉજવણી કાર્યક્રમ ઉત્સાહભેર યોજાયો હતો. આ કાર્યક્રમમાં સ્વદેશી અને આત્મનિર્ભર ભારતના સંકલ્પનો પણ સામૂહિક રીતે સ્વીકાર કરવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં અમર ડેરીનાં ડિરેક્ટર કુ. ભાવનાબેન ગોંડલિયા દ્વારા વંદે માતરમ્‌ની ઐતિહાસિક પૃષ્ઠભૂમિ સમજાવવામાં આવીને જણાવ્યું કે આ ગીત બંકીમચંદ્ર ચટોપાધ્યાયે ૧૮૭૫માં રચ્યું હતું. ૧૮૯૬માં રવીન્દ્રનાથ ટાગોરે કોલકાતાના સત્રમાં પ્રથમ વખત તેનું નૃત્યગાન કર્યું હતું. વંદે માતરમ્‌ સ્વદેશી ચળવળનું મુખ્ય સૂત્ર બન્યું. ક્રાંતિકારી બાળગંગાધર તિલક, લાલા લજપતરાય, શહીદ ભગતસિંહ અને સુભાષચંદ્ર બોઝ જેવા ક્રાંતિકારીઓ માટે અખૂટ પ્રેરણાસ્રોત સાબિત થયું. અમર ડેરીના ચેરમેન અશ્વિનભાઈ સાવલિયાએ સંબોધન કર્યું કે, “રાષ્ટ્રને સમર્પિત ગીતો અને કાવ્યો વર્ષો જૂના હોવા છતાં આજે પણ પ્રેરણા આપે છે, આવા સર્જનો સદીઓ સુધી રાષ્ટ્રવાદ અને દેશભક્તિની ભાવના મજબૂત બનાવે છે. વંદે માતરમ્‌ માત્ર એક નારો નથી, પરંતુ એક મંત્ર, એક ઊર્જા, એક સપનું અને રાષ્ટ્રસેવાનો સંકલ્પ છે.” મેનેજિંગ ડિરેક્ટર ડો. આર.એસ. પટેલ દ્વારા આભારવિધિ થઇ હતી. આ પ્રસંગે અમર ડેરીના ડિરેક્ટર ચંદુભાઈ રામાણી, રામજીભાઈ કાપડિયા, જનરલ મેનેજર ડી.આર. રામાણી, મેનેજરો તથા ડેરીના કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.