અમરેલી જિલ્લામાં ૧૭ ફેબ્રુઆરીથી ૧૧ એપ્રિલ ૨૦૨૬ દરમિયાન યોજાનારી ધોરણ ૧૦ અને ૧૨ની CBSE બોર્ડની પરીક્ષાઓને લક્ષમાં રાખી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. પરીક્ષા પ્રક્રિયા પારદર્શી અને શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ-૧૬૩ હેઠળ પ્રતિબંધાત્મક આદેશો લાગુ કરાયા છે.જાહેરનામા અનુસાર, પરીક્ષા કેન્દ્રોની ૧૦૦ મીટરની ત્રિજ્યામાં ઝેરોક્ષ અને ફેક્સ મશીનોના ઉપયોગ પર પ્રતિબંધ રહેશે. આ ઉપરાંત, પરીક્ષાર્થીઓ કે સ્ટાફ માટે મોબાઈલ ફોન, સ્માર્ટ વોચ અને ઈલેક્ટ્રોનિક ગેજેટ્‌સ લેવા પર મનાઈ ફરમાવવામાં આવી છે. પરીક્ષા દરમિયાન લાઉડ સ્પીકર વગાડવા કે ચારથી વધુ વ્યક્તિઓએ એકઠા થવા પર પણ રોક લગાવી છે. આ આદેશનો ભંગ કરનાર વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ-૨૨૩ મુજબ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે. અમરેલીની પોદાર સ્કૂલ, રાજુલાની આદિત્ય બિરલા અને મોટા ભંડારિયાની નવોદય વિદ્યાલય ખાતે આ નિયમોનો કડક અમલ કરવા પોલીસ અને શિક્ષણ વિભાગને સૂચના અપાઈ છે.