અમરેલી શહેરના રાજમહેલ કમ્પાઉન્ડમાં આવેલા ડો. આંબેડકર ભવનને કાર્યરત કરવાની માંગ સાથે સામાજિક આગેવાન શરદ મકવાણાએ આગામી દસ દિવસમાં ભવન શરૂ નહીં થાય તો ધરણા કરવાની ચીમકી ઉચ્ચારી છે.લાખો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલું આ ભવન છેલ્લા ત્રણ વર્ષથી બિનઉપયોગી સ્થિતિમાં છે. અનુસૂચિત જાતિના લોકો માટે સામાજિક કાર્યક્રમો યોજવાના હેતુથી બનાવાયેલા આ ભવનમાં હાલ અસામાજિક તત્વોની પ્રવૃત્તિઓ થતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. શરદ મકવાણાએ જણાવ્યું હતું કે આ મુદ્દે જિલ્લા કલેક્ટર, સમાજ કલ્યાણ કચેરી અને સમાજ કલ્યાણ મંત્રીને વારંવાર રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ કોઈ પરિણામ આવ્યું નથી. ભવનમાં મૂકવામાં આવેલા સોફા, ખુરશી અને ટેબલ જેવી સુવિધાઓ ધૂળ ખાઈ રહી છે. આ કારણે સમાજના કાર્યક્રમો માટે અન્ય સ્થળો શોધવાની ફરજ પડે છે.તેમણે કલેક્ટરને પત્ર લખીને જણાવ્યું છે કે જો આગામી દસ દિવસમાં ભવન કાર્યરત નહીં કરવામાં આવે તો ધરણા કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ભવનના રીનોવેશનનું કામ પણ લાંબા સમયથી અધૂરું પડ્‌યું છે.