અમરેલીના માર્કેટિંગ યાર્ડ ખાતે બસ સ્ટોપ આપવા કિસાન સંઘ દ્વારા એસ.ટી. તંત્રને પત્ર લખીને રજૂઆત કરવામાં આવી છે. આ પત્રમાં જણાવવામાં આવ્યું છે કે, સાવરકુંડલા રોડ ઉપ૨ જિલ્લાનું સૌથી મોટું માર્કેટિંગ યાર્ડ આવેલ છે. જે અમરેલી સીટીથી આશરે ૫ થી ૬ કિલોમીટર દુર થાય છે. આ યાર્ડમાં બહારગામથી હજારો ખેડૂતો જણસ વેચવા આવે છે. જણસ વેચ્યા પછી ખેડૂત પાસે રોકડા રૂપિયા હોય છે. ક્યારેક રાત્રે પણ જવું પડતુ હોય છે તેવા સંજોગોમાં આ યાર્ડ ઉપર એસ.ટી. સ્ટોપ નહીં હોવાથી ખેડૂતોને અન્ય ખાનગી વાહન દ્વારા, સાવ૨કુંડલા, ધારી-બગસરા વગેરે જગ્યાએ જવા માટે રોડ ઉપ૨ રાહ જોઈને ઉભું રહેવુ પડતું હોય છે. ખેડૂતો પાસે રૂપિયાનું જોખમ હોવાથી કયારેક લૂંટ થવાનો પણ ભય રહે છે. અહીં એસ.ટી. બસ સ્ટોપ નહીં હોવાથી ખેડૂતો–મજૂરો-તેમજ અન્ય લોકો ખુબ જ હેરાન થાય છે. આથી માર્કેટિંગ યાર્ડ ખાતે એસ.ટી. બસનું કાયમી સ્ટોપ આપવા માગણી કરવામાં આવી છે.



































