અમરેલીના સાવરકુંડલા રોડ પર સ્થિત શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ (APMC) ખાતે સિઝનના નવા ચણાની આવકનો વિધિવત પ્રારંભ થયો છે. માર્કેટયાર્ડમાં નવા પાકના શ્રીગણેશ થતા ખેડૂતો અને વેપારીઓમાં આનંદનો માહોલ જોવા મળ્યો હતો. કેરાળા ગામના ખેડૂત રસીકભાઈ સિઝનના નવા ચણા લઈને માર્કેટયાર્ડમાં આવ્યા હતા. આ ચણાનો જથ્થો અંદાજીત ૪૦ મણ (મુદ્દા) જેટલો હતો. કમિશન એજન્ટ શ્રી સાગર ટ્રેડિંગ દ્વારા આ માલની દલાલી કરવામાં આવી હતી, જ્યારે વેપારી પેઢી શ્રી અક્ષય ટ્રેડિંગ દ્વારા આ નવા ચણાની ખરીદી કરવામાં આવી હતી. મુહૂર્તની આ હરાજીમાં નવા ચણાનો પ્રતિ મણનો ભાવ રૂ. ૧૧૬૦/- નોંધાયો હતો. માર્કેટયાર્ડના સેક્રેટરી તુષારભાઈ હપાણીએ અખબારી યાદીમાં જણાવ્યું હતું કે, અમરેલી યાર્ડમાં નવા ચણાની આવક શરૂ થઈ ગઈ છે અને ખેડૂતોને તેમના પાકના સારા અને પોષણક્ષમ ભાવો મળી રહ્યા છે. આગામી દિવસોમાં આવકમાં હજુ વધારો થવાની આશા છે.