અમરેલી જિલ્લામાં સ્થાનિક સ્વરાજની આવનારી ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. રાજ્ય ચૂંટણી પંચ દ્વારા ચૂંટણીની જાહેરાત થયા બાદ ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારી માટે સેન્સ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. અમરેલી જિલ્લા ભાજપ કચેરી, ગાંધી ધર્મશાળા સાવરકુંડલા અને ધારી ખાતે અલગ અલગ સ્થળોએ આ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.
આ પ્રક્રિયામાં મોટી સંખ્યામાં કાર્યકરો, સામાજિક આગેવાનો, સેવાભાવી સંસ્થાના પ્રતિનિધિઓ તેમજ યુવાનો ઉપસ્થિત રહી પોતાની દાવેદારી નોંધાવી રહ્યા છે. સવારે શરૂ થયેલી પ્રક્રિયા મોડી રાત સુધી ચાલી હતી, જેમાં નિરીક્ષકો દ્વારા દરેક દાવેદારની વાત ધ્યાનપૂર્વક સાંભળવામાં આવી હતી.
જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણીના માર્ગદર્શન હેઠળ મહામંત્રી મયુરભાઈ માંજરીયા, રાજુભાઈ ભૂતૈયા, ચેતનભાઈ શિયાળ સહિત જિલ્લા ટીમે સમગ્ર વ્યવસ્થા સુચારુ રીતે સંભાળી હતી તેમ મીડિયા કન્વીનર વિપુલ ભટ્ટીએ જણાવ્યું હતું.