અમરેલી પોલીસ અધિક્ષક સંજય ખરાતની સૂચના મુજબ નાસતા ફરતા આરોપીઓને પકડવા માટે ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ અંતર્ગત એલ.સી.બી. ઇન્સ્પેક્ટર એ. ડી. ચાવડાના માર્ગદર્શન હેઠળ પેરોલ ફર્લો સ્ક્વોડના સબ ઇન્સ્પેક્ટર એન. જી. સાપરા અને તેમની ટીમે મહત્વની સફળતા મેળવી છે. જાફરાબાદ મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આશરે ત્રણ માસ પહેલાં પોલીસને જોઈને બાવળની કાટમાં અંધારાનો લાભ લઈ નાસી ગયેલ આરોપી અલ્પેશભાઈ નગુભાઈ ગોહિલ (ઉંમર ૨૭, રહે. ઉમેજ, તા. ઉના)ને ટીમે બાતમીના આધારે નાગેશ્રી ટોલ નાકા પાસેથી દબોચી લીધો છે. ઉલ્લેખનીય છે કે, આરોપી બોલેરો પીકઅપ વાહનમાં રૂપિયા ૯,૩૫,૦૪૩ની કિંમતનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ગેરકાયદેસર રીતે છુપાવીને હેરાફેરી કરતો હતો. વાહન સહિત કુલ રૂપિયા ૧૨,૮૫,૦૪૩નો મુદ્દામાલ મૂકીને આરોપી ફરાર થઈ ગયો હતો. હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સોર્સની મદદથી આખરે પોલીસે તેને ઝડપી પાડી આગળની કાયદેસરની કાર્યવાહી માટે જાફરાબાદ મરીન પોલીસને સોંપવા તજવીજ હાથ ધરી છે.