અમરેલી નગરપાલિકા ફરી એકવાર વિવાદોના વમળમાં ફસાઈ છે. પાલિકાના સત્તાધારી પક્ષ ભાજપના જ ૧૩ સભ્યોએ લેગસી વેસ્ટ મેનેજમેન્ટના ટેન્ડર પ્રક્રિયામાં મોટા પાયે ભ્રષ્ટાચાર અને અનિયમિતતાના ગંભીર આક્ષેપો કરતા રાજકારણ ગરમાયું છે. નગરપાલિકાના પૂર્વ પ્રમુખ મનીષાબેન સંજયભાઈ રામાણી સહિતના ૧૩ સદસ્યોએ મુખ્યમંત્રી અને નિયામકને લેખિત રજૂઆત કરી છે. આ રજૂઆત મુજબ, લેગેસી વેસ્ટ ટેન્ડર (આઈડી ૨૩૪૦૯૯) ની ફાળવણીમાં પારદર્શિતાનો અભાવ જોવા મળ્યો છે.
આક્ષેપ છે કે અધિકારીઓએ નિયમોને નેવે મૂકીને કોઈ ચોક્કસ વ્યક્તિને આર્થિક લાભ કરાવવા માટે આ ટેન્ડર ફાળવ્યું છે. સભ્યોનો મુખ્ય આક્ષેપ એ છે કે ટેન્ડરની ખાસ શરતો મુજબ જેટલા ટન કચરાનો નિકાલ થવો જોઈએ, તેટલી કામગીરી ધરાતલ પર થતી નથી. આમ છતાં, એજન્સીને સરકારી ગ્રાન્ટમાંથી ખોટી રીતે ચૂકવણા કરવામાં આવી રહ્યા છે. સભ્યોએ આ બાબતે અગાઉ પણ વાંધો ઉઠાવ્યો હતો, પરંતુ અધિકારીઓએ ‘આંખ આડા કાન’ કરીને પ્રક્રિયા ચાલુ રાખી છે.બિલ્ડર લોબીને ફાયદો કરાવવા માટે માનવ વસાહત વગરની જગ્યાએ બિનજરૂરી રોડ-રસ્તા અને દીવાલો બનાવી ગ્રાન્ટનો વેડફાટ કરવામાં આવ્યો છે. ચૂંટણીના ટાણે જ નગરપાલિકાના સભ્યો અને અધિકારીઓ વચ્ચેનો આ વિખવાદ ‘ઉકળતા ચરૂ’ જેવી સ્થિતિ પેદા કરી રહ્યો છે. સભ્યોએ સ્પષ્ટ કર્યું છે કે આ ગેરરીતિઓની સંપૂર્ણ જવાબદારી ભવિષ્યમાં મુખ્ય અધિકારીની રહેશે.