નિર્માણાધીન પુલ પાસે પર કોઈ સાઈન બોર્ડ ન હોવાથી વાહનચાલકોને જીવનું જાખમ

સ્થાનિકોએ આ અકસ્માતો માટે તંત્રની લાપરવાહીને જવાબદાર ઠેરવી

અમરેલી-લીલીયા રોડ પર ચાલી રહેલા રેલવે અંડરબ્રિજના અધૂરા કામ અને તંત્રની ઘોર બેદરકારીને કારણે પાંચ દિવસના ટૂંકા ગાળામાં બે નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે. નિર્માણાધીન બ્રિજ પાસે લાઇટિંગ કે સુરક્ષા બેરિકેડ્‌સનો અભાવ હોવાથી મોડી રાત્રે અકસ્માતોની સંખ્યા વધી છે. પ્રથમ દુર્ઘટનામાં, દાદા ભગવાનના મંદિર નજીક અંધારામાં બાઇક સવાર એક પુરુષ અને બે મહિલાઓ ઊંડા ખાડામાં ખાબક્યા હતા. આ ગમખ્વાર અકસ્માતમાં પુરુષનું સારવાર દરમિયાન
મૃત્યુ થયું હતું, જ્યારે બે મહિલાઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હતી. ત્યારબાદ, સલડી ગામ નજીક નિર્માણાધીન બ્રિજમાં એક યુવાન બાઇક સાથે પડતાં તેમના માથામાં લોખંડનો સળિયો ઘૂસી જવાથી તેમનું પણ કરૂણ મોત નિપજ્યું હતું. સ્થાનિકોએ આ અકસ્માતો માટે તંત્ર અને કોન્ટ્રાક્ટરની લાપરવાહીને જવાબદાર ઠેરવી, જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની અને તાત્કાલિક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવાની માંગ કરી છે. આમ છતાં જવાબદારો સામે કોઈ કડક કાર્યવાહી કરવામાં આવતી નથી.

રાજકીય નેતાઓ સામે લોકોમાં આક્રોશ
પાંચ દિવસમાં બે લોકોના મોત થયા બાદ મોટાભાગના રાજકિય નેતાઓએ હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આપી નથી. બે યુવાનોના મોત બાદ પરિવારમાં શોકનો માહોલ છે ત્યારે નેતાઓને પરિવારોના આંસુ ન દેખાતા હોવાથી લોકોમાં ભારે આક્રોશ ફેલાયો છે.

અમરેલી બગસરા રોડ પર પણ અકસ્માતનો ભય
અમરેલી જિલ્લા હાલમાં ઠેર-ઠેર રસ્તાઓનું નવિનિકરણ થઈ રહ્યું છે. અમરેલી બગસરા નેશનલ હાઈવેનું કામ પણ ચાલુ છે. આ રસ્તા પર ઠેર-ઠેર પુલ માટે ખાડાઓ ખોદવામાં આવ્યા છે. જેમાં પણ કોઈ સેફ્ટીના સાધનો કે દિશા સુચકો મુકવામાં આવ્યા નથી. જેના કારણે પણ અકસ્માતનો ભય તોળાઈ રહ્યો છે. માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ આળસ ખંખેરી આવા સ્થળોની તપાસ કરે તો માનવ જિંદગી બચી શકે.

આડેધડ વિકાસ લોકોના મોતનું કારણ બન્યો
પાંચ દિવસમાં બે લોકોના મોત બાદ લોકોએ રોષ સાથે જણાવ્યું હતું કે, ટેન્ડર મંજૂર થઈ ગયા બાદ લોકોની સલામતી અંગે કોન્ટ્રાકટરો ધ્યાન આપતા નથી. આડેધડ વિકાસની લ્હાયમાં માનવજિંદગી હોમાઈ રહી છે. કોન્ટ્રાકટરે માનવ જિંદગીનો ખ્યાલ રાખી બેરીકેડ, લાઈટ સહિતની સગવડતા કરવી જાઈએ પરંતુ માનવજિંદગીને કોરાણે મૂકી આડેધડ વિકાસ લોકોના મોતનું કારણ બન્યો છે.