અમરેલી ભાવનગર રેન્જ આઈજી ગૌતમ પરમાર અને અમરેલી એસપી સંજય ખરાતની સૂચનાથી કાર્યરત તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત અમરેલી સિટી પોલીસે સફળતા મેળવી છે. ગત ૧૭ ફેબ્રુઆરીના રોજ શહેરના રહેવાસી જીતેનભાઈ રમેશભાઈ ધોળકીયાની અંદાજે રૂ.૭૦,૦૦૦ની કિંમતની સોનાની બે બુટ્ટી ગુમ થઈ હતી. આ અંગેની અરજી મળતા જ પોલીસ હરકતમાં આવી હતી.અમરેલી સિટી પોલીસ ઇન્સ્પેક્ટર ડી.કે. વાઘેલાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ ટીમ અને કમાન્ડ કંટ્રોલ (નેત્રમ) દ્વારા હ્યુમન સોર્સ તેમજ સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરવામાં આવી હતી. ટેકનિકલ સર્વેલન્સની મદદથી ગુમ થયેલ સોનાના દાગીના શોધી કાઢવામાં આવ્યા હતા અને મૂળ માલિકને પરત સોંપાયા હતા. પોતાની કિંમતી મિલકત પરત મળતા અરજદારે અમરેલી પોલીસની કાર્યનિષ્ઠાનો આભાર વ્યક્ત કર્યો હતો.







































