અમરેલી તાલુકાના ચાંપાથળ ગામે પડોશમાં રહેતા બે શખ્સોએ એક મહિલાને અવારનવાર હેરાન કરી, તેમના પર હુમલો કરી તેમજ છેડતી કર્યાની ગંભીર ઘટના સામે આવી હતી. આ મામલે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. મંજુલાબેન આણંદભાઇ બગડા (ઉ.વ.૫૫)એ ગૌતમભાઇ મંગાભાઇ બગડા તથા ગોવિંદભાઇ મંગાભાઇ બગડા સામે નોંધાવેલી ફરિયાદ મુજબ, મહિલાને તેના ગામમાં જ રહેતા આરોપીઓ અવારનવાર માનસિક રીતે હેરાન પરેશાન કરતા હતા. આરોપીઓ દ્વારા મહિલાના ઘર પર પથ્થરમારો કરવામાં આવતો અને તેમની સામે ખરાબ નજર રાખવામાં આવતી હતી. બે દિવસ પહેલા તેમના ઘરે પંચાયતનું પાણી આવવાનું બંધ થયું, ત્યારે તેમણે બહાર જઈને તપાસ કરી હતી. આ દરમિયાન આરોપી નંબર-૧ પાણીનો વાલ્વ બંધ કરતા રંગેહાથ ઝડપાઈ ગયો હતો. મહિલાએ આ બાબતે ઠપકો આપતા જ આરોપી ઉશ્કેરાઈ ગયો હતો અને બિભત્સ ગાળો આપવા લાગ્યો હતો.
ઝઘડો વધતા બંને આરોપીઓ તેણીના ઘરે પહોંચ્યા હતા. ત્યાં જઈને ફરી ગાળાગાળી કરી તેમને બથ ભરી લઈ તેની છેડતી કરી હતી. જ્યારે મહિલા પોતાનો બચાવ કરી રહી હતી, ત્યારે આરોપીએ ગાલ પર લાફો ઝીંકી દીધો હતો. જે બાદ મીનાબેન ગૌતમભાઈ બગડા (ઉ.વ.૪૫)એ સંજય ઉર્ફે ચંદુ આણંદભાઈ બગડા તથા મંજુલાબેન સામે ફરિયાદ નોંધાવી હતી.