અમરેલી તાલુકા અંતર્ગત આવતા વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં વિકાસકામોની હારમાળા સર્જાઈ હતી. રાજ્ય સરકારના ઉર્જા અને કાયદો રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરીયાના વરદ્‌હસ્તે જિલ્લાના વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં અંદાજે કુલ રૂ. ૮૦ કરોડથી વધુની રકમના વિવિધ નવીન વિકાસકામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું. અમરેલીના પીપળલગ ખાતે આંકડિયા-પીપળલગ રોડ સ્ટ્રક્ચરના નવા વિકાસકામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ઉપરાંત મોટા આંકડિયા ખાતે અનુસૂચિત જાતિ વિસ્તારને જોડતા રોડ પર રૂ. ૪૦ લાખના ખર્ચે સ્ટ્રક્ચર કામગીરીનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. રાજ્યમંત્રીએ અંદાજે રૂ. ૪૧ કરોડના ખર્ચે અમરેલી-નાના આંકડિયા-ચિતલ રોડના વાઈડનીંગ, સ્ટ્રેન્ધનીંગ કામગીરીનું ખાતમુહૂર્ત કર્યું હતું. જેમાં હયાત રોડને ૭ મીટર પહોળો કરવાની કામગીરી, સીસી રોડની કામગીરી સમાવિષ્ટ છે. આ કામગીરી બનતી ત્વરાએ માર્ગ અને મકાન વિભાગ રાજ્ય દ્વારા શરૂ કરીને પૂર્ણ કરવામાં આવશે.રાજ્યમંત્રીએ અમરેલી-નાના આંકડિયા-ચિતલ રોડ પર માઈનોર બ્રિજની કન્સ્ટ્રક્શન કામગીરીનું ખાતમુહૂર્ત કર્યું હતું. માર્ગ અને મકાન વિભાગ રાજ્ય દ્વારા અંદાજે રૂ. ૪.૫ કરોડના ખર્ચે માઈનોર બ્રિજની કામગીરીનો શુભારંભ કરવામાં આવશે. ઉપરાંત રાજ્યમંત્રીએ અમરેલીના પ્રતાપપરા મુકામે એપ્રોચ રોડના વિકાસકામનું પણ ખાતમુહૂર્ત કર્યું હતું. ચિતલ-રાંઢિયા-લુણીધાર વચ્ચે અંદાજે રૂ. ૩૬ કરોડના ખર્ચે નવો સી.સી. રોડ બનશે. જેમાં હયાત રોડ ૭ મીટર પહોળો કરવામાં આવશે, જેનું રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરીયા દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરીયાએ જણાવ્યું કે, જિલ્લામાં વિકાસકામોની યાત્રા અવિરત શરૂ છે. વિવિધ સી.સી. રોડ સહિતના વિકાસકામો ગુણવત્તાલક્ષી રીતે સમયસર પૂર્ણ થાય તે માટે રાજ્યમંત્રીએ સંબંધિત અધિકારીઓને સ્થળ પર સૂચનાઓ આપી હતી.