ચોટીલા તાલુકામાં પેટ્રોલિંગ કરી રહેલા નાયબ મામલતદારની ટીમ પર હુમલાનો વિરોધ
ચોટીલા (થાનગઢ) તાલુકામાં ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિઓ સામે પેટ્રોલિંગ કરી રહેલા નાયબ મામલતદાર તરુણભાઈ દવે અને તેમની ટીમ પર ખનીજ માફિયાઓએ જીવલેણ હુમલો કર્યો હતો. હુમલાખોરોએ સરકારી ફરજમાં અડચણ ઊભી કરી અને ધમકીઓ આપી હતી.આ ગંભીર ઘટનાના પગલે અમરેલી જિલ્લા મહેસુલી કર્મચારી મંડળમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. મંડળે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપરત કરીને આઠ જેટલી મુખ્ય માંગણીઓ કરી છે, જેમાં તાત્કાલિક ઉચ્ચ સ્તરીય તપાસ, સંબંધિત કલમો હેઠળ હ્લૈંઇ નોંધાવવી અને તમામ આરોપીઓની ધરપકડનો સમાવેશ થાય છે. મંડળે ખનન માફિયાના વાહનો અને મશીનરી જપ્ત કરવા, ગેરકાયદેસર વ્યવસાયો બંધ કરાવવા અને મહેસૂલી કર્મચારીઓને પોલીસ સુરક્ષા પૂરી પાડવા સહિતની કડક કાર્યવાહીની માંગ કરી છે. આ હુમલાએ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલ ઊભા કર્યા છે.








































