અમરેલી જિલ્લામાં ઉનાળાના પ્રારંભે જ તાપમાનનો પારો ઊંચકાવા લાગ્યો છે. આ આકરી ગરમીને ધ્યાનમાં રાખીને જિલ્લાની પ્રાથમિક શાળાઓના સમયમાં અડધો કલાકનો ઘટાડો કરવાનો એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આ ફેરફાર મુજબ, હવે વિદ્યાર્થીઓને બપોરે ૧૨ઃ૩૦ વાગ્યાના બદલે ૧૨ઃ૦૦ વાગ્યે જ રજા આપી દેવામાં આવશે.સામાન્ય રીતે એપ્રિલ મહિનાથી જ પ્રાથમિક શાળાઓનો સમય સવારનો કરી દેવામાં આવે છે, પરંતુ આ વર્ષે નિયત સમય મુજબ શાળાઓમાંથી છૂટવાનો સમય બપોરે ૧૨ઃ૩૦ વાગ્યાનો રાખવામાં આવ્યો હતો. ભરબપોરે કાળઝાળ તડકામાં નાના બાળકોને ઘરે પહોંચવામાં ભારે મુશ્કેલી પડતી હોવાથી વાલીઓ અને બાળકો ચિંતિત હતા.આ સમસ્યાના નિવારણ માટે અમરેલી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. જેમાં સંઘના અગ્રણીઓએ વિદ્યાર્થીઓના હિતમાં સમય ઘટાડવાની પ્રબળ માંગ કરી હતી. આ ન્યાયિક રજૂઆતને ગંભીરતાથી લઈને શિક્ષણ સમિતિ દ્વારા આ રાહત આપતો નિર્ણય લેવામાં આવ્યો છે.