અમરેલી જિલ્લાના શિક્ષણ સ્તરને વધુ ઉંચુ લાવવા અને શાળાઓની પ્રત્યક્ષ સ્થિતિ જાણવાના હેતુથી જિલ્લા કલેક્ટર વિકલ્પ ભારદ્વાજ દ્વારા કેરિયાનાગસ પ્રાથમિક શાળાની આકસ્મિક મુલાકાત લેવામાં આવી હતી. મુલાકાત દરમિયાન કલેક્ટરે શાળાના વર્ગખંડો, શૈક્ષણિક પ્રવૃત્તિઓ, મધ્યાહન ભોજન અને શાળાના ભૌતિક સંસાધનોનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું. તેમણે વિદ્યાર્થીઓ સાથે સીધો સંવાદ સાધીને તેમના શિક્ષણ વિશે
પૃચ્છા કરી હતી અને બાળકોને ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રોત્સાહિત કર્યા હતા. શાળાના આચાર્ય અને સ્ટાફ સાથેની ચર્ચામાં તેમણે નવી શિક્ષણ નીતિ (NEP ૨૦૨૦)ના અમલીકરણ અને બાળકોના સર્વાંગી વિકાસ માટે જરૂરી મહત્વનું માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. શાળાના આચાર્ય રસિકભાઈ મહેતાએ કલેક્ટરની આ મુલાકાતને ગૌરવની ક્ષણ ગણાવી હતી અને તેમના માર્ગદર્શન હેઠળ શાળાને આદર્શ વિદ્યાધામ બનાવવા માટે વધુ જોશથી કાર્ય કરવાની નેમ વ્યક્ત કરી હતી. આ મુલાકાત બદલ કેરિયાનાગસ ગ્રામ પંચાયત, એસ.એમ.સી. કમિટી અને શાળા પરિવારે કલેક્ટર સાહેબનો આભાર વ્યક્ત કર્યો હતો. આ મુલાકાત દરમિયાન અમરેલીના પ્રાંત અધિકારી, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, સરપંચ રાજુભાઈ મેવાડા, રાજુભાઈ ઠાકોર તેમજ તલાટી કમ મંત્રી સહિતના અધિકારીઓ અને આગેવાનો હાજર રહ્યા હતા.




































