અમરેલી જિલ્લા કલેક્ટર અજય દહિયા અને કાર્યકારી જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક જાડેજા અને અમરેલી પ્રાંત અધિકારી મહેશ નાકિયાએ અમરેલી જિલ્લા બાગાયત, જિલ્લા કલેક્ટર અને જિલ્લા માહિતી કચેરીને અનુક્રમે બેસ્ટ, ઈમર્જિંગ અને એસ્પાયરિંગ એમ ત્રણ અલગ-અલગ કેટેગરીના પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યાં હતા. અમરેલી જિલ્લા કલેક્ટર અજય દહિયાએ કચેરીઓને તેમની કામગીરી માટે અભિનંદન પાઠવી ભવિષ્યમાં પણ આ રીતે ઉત્કૃષ્ટ કામગીરી કરવા પ્રોત્સાહન આપ્યું હતું. નાગરિકોને કેન્દ્રમાં રાખી વધુ સારી સેવાઓ અને માળખાકિય સુવિધાઓમાં ઉમેરો થાય તે મંત્ર સાથે કાર્યરત રાજ્ય સરકાર દ્વારા વિવિધ પ્રકલ્પોની શરુઆત કરવામાં આવશે. આ કાર્યક્રમમાં વીડિયોના માધ્યમથી રાજ્યભરના જિલ્લાઓ પણ જોડાયા હતા. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને ગાંધીનગર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ૬૦૦થી વધુ વિવિધ સરકારી યોજનાઓની વિગતો આપતા મારી યોજના પોર્ટલનો પ્રારંભ કરાવ્યો હતો. રાજ્ય સરકારના લોકાભિમુખ અને પારદર્શી વહીવટલક્ષી અભિગમને સાકાર કરતા અનેક વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ મુખ્યમંત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું. સુશાસન પરની ટૂંકી ફિલ્મ દર્શાવવામાં આવી હતી.