સોમનાથ મંદિરના ૧૦૦૦ વર્ષ પૂર્ણ થતા આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની હાજરીમાં સ્વાભિમાન પર્વની ઉજવણી કરવામાં આવશે. પ્રધાનમંત્રી આજથી ગુજરાતના બે દિવસના પ્રવાસે આવતા હોય જેથી પ્રધાનમંત્રી મોદીના આગમનને લઈ અમરેલી જિલ્લા પોલીસને પણ ખડેપગે તૈનાત કરવામાં આવી છે. પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી મુજબ, સોમનાથમાં વડાપ્રધાનના કાર્યક્રમ દરમિયાન આયોજનમાં અમરેલી જિલ્લામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જેમાં ભાવનગર રેન્જ આઈજી અને જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ ૪૦૭ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ ખડેપગે હાજર રહેશે. જેમાં તમામ કર્મચારીઓ અમરેલી જિલ્લામાં હાજર રહેશે. અમરેલી જિલ્લામાં ટ્રાફિક નિયમન માટે ડીવાયએસપી ૦ર, પીઆઈ ૧ર, પીએસઆઈ ૧૪ અને ૩૭૯ પોલીસ કર્મચારીઓ હાજર રહેશે. આ તમામ કર્મચારીઓ જિલ્લાના વિવિધ શહેરો, પીપાવાવ કોસ્ટલ હાઈવે સહિત પર ફરજ બજાવશે. જ્યારે સોમનાથ જવા માટે જિલ્લામાંથી કુલ રર૬ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ રવાના થયા છે. સોમનાથ ખાતે ૦ર ડીવાયએસપી, ૪ પીઆઈ, ર૦ પીએસઆઈ અને ર૦૦ કર્મચારીઓ પ્રધાનમંત્રીના બંદોબસ્તમાં હાજર રહેશે. સોમનાથમાં બંદોબસ્ત માટે ર૦૯ હોમગાર્ડ જવાનોને પણ મોકલવામાં આવ્યા છે. આમ, પ્રધાનમંત્રીના આગમનને લઈ અમરેલી જિલ્લાના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ તૈનાત કરવામાં આવતા લોખંડી બંદોબસ્ત ગોઠવાયો છે.








































