અમરેલી જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ–રાજ્ય હેઠળ વિવિધ નવી સરકારી ઈમારતો અને શૈક્ષણિક સંસ્થાઓના બાંધકામને ઝડપી ગતિ મળી રહી છે. જિલ્લામાં મંજૂર થયેલા નવા પ્રોજેક્ટ્‌સનું કામ પુરજોશમાં આગળ વધી રહ્યું છે. બાબરા ખાતે નવી મામલતદાર કચેરી અને નવી આટ્‌ર્સ એન્ડ કોમર્સ કોલેજના બાંધકામનું કામ તેજ ગતિએ ચાલી રહ્યું છે. ધારી ખાતે ઈ-૧, ઈ-૨ અને ડી-૧ જ્યુડિશિયલ સ્ટાફ ક્વાર્ટર્સનું નિર્માણ પણ પ્રગતિ પામી રહ્યું છે. જાફરાબાદ મામલતદાર કચેરી અને અમરેલીની જિલ્લા માહિતી કચેરીના નવી ઈમારતોના બાંધકામને પણ ગતિ મળી છે. ખાસ કરીને બાબરામાં નિર્માણ થઈ રહેલી નવી આટ્‌ર્સ અને કોમર્સ કોલેજથી બાબરા-લાઠી વિસ્તારના વિદ્યાર્થીઓને મોટી રાહત મળશે.હવે વિદ્યાર્થીઓને દૂર સુધી અભ્યાસ માટે જવું નહીં પડે અને ૧,૦૦૦ જેટલા વિદ્યાર્થીઓને ઉચ્ચ ગુણવત્તાની શૈક્ષણિક સુવિધાઓ સ્થાનિક સ્તરે ઉપલબ્ધ થશે. નવી મામલતદાર કચેરીઓથી સરકારી કર્મચારીઓ અને અરજદારોને આધુનિક સુવિધાયુક્ત ઇમારતોનો લાભ મળશે. ધારી ખાતે જ્યુડિશિયલ સ્ટાફ માટેના આવાસીય ક્વાર્ટર્સ પણ ઝડપથી પૂરાં થવા જઈ રહ્યાં છે. જિલ્લામાં તમામ બાંધકામો ગુણવત્તા અને સમયમર્યાદાને પ્રાથમિકતા સાથે પૂર્ણ થાય તે માટે માર્ગ અને મકાન વિભાગ સતત કાર્યરત છે.