કેન્દ્રીય ઈન્કમટેક્ષના ઈન્વેસ્ટીગેશન વિભાગ દ્વારા રાજયમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે ત્યારે આધારભૂત સુત્રોમાંથી મળતી માહિતી મુજબ અમરેલી જિલ્લામાં પણ ટેક્ષ બચાવવા માટે ડોનેશનનો ખેલ ચાલી રહ્યો છે. જેથી અમરેલી જિલ્લો પણ ઈન્કમટેક્ષ વિભાગના રડાર પર છે. ઈન્વેસ્ટીગેશન વિભાગ ગમે ત્યારે રાજકીય પાર્ટી કે એનજીઓને આપેલ દાનની વિગતો શોધી દાન આપનાર અમુક શિક્ષકો કે અન્ય કોઈ સરકારી કર્મચારીઓની તપાસ શરૂ કરશે.
અમરેલી જિલ્લામાં અમુક શિક્ષકો કે અન્ય કેટલાક સરકારી નોકરિયાતો નાની રાજકીય પાર્ટીને રૂ.પ૦ હજારથી રૂ. પ લાખ સુધીનું ડોનેશન આપી રહ્યાં છે. જા કે રાજકીય પાર્ટીને આપવામાં આવતા દાન દ્વારા ટેકસચોરીનું મોટુ કૌભાંડ આચરવામાં આવતું હોવાનું આઈ.ટી. વિભાગને ધ્યાને આવ્યું છે. સીબીડીટીના આદેશથી બોગસ ટેકસ કલેઈમ થકી કરાતી કરચોરીના દુષણને અટકાવવા માટે આઈ.ટી. વિભાગ દ્વારા ઝુંબેશ શરૂ કરવામાં આવી છે.
જો કે અમરેલી જિલ્લામાં હજુ આઈ.ટી. દ્વારા તપાસ શરૂ કરવામાં આવી નથી પરંતુ જા અમરેલી જિલ્લામાં તપાસ કરવામાં આવે તો અનેક શિક્ષકો કે અન્ય નોકરીયાતોનો ડોનેશન આપી રોકડમાં રૂપાંતર કરવામાં આવતો ખેલ બહાર આવી શકે છે. આ બાબતે ઈન્કમટેક્ષ વિભાગની નજર હવે અમરેલી જિલ્લા પર હોવાની ચર્ચા થઈ રહી છે. જેથી જા કોઈ નોકરીયાત ટેક્ષ કપાત બાબતે ડોનેશનનો ખેલ કરતા હશે તેની સામે ઈન્કમટેક્ષ વિભાગ તપાસ કરશે તેમ જાણવા મળ્યું છે.
મસમોટા પગાર છતાં ટેક્સ કપાત બચાવવાનો કારસો !!
અમરેલી જિલ્લામાં અમુક સરકારી નોકરીયાતોનો લાખો રૂપિયાનો પગાર છે. ત્યારે આટલા રૂપિયા પગાર હોવા છતાં ટેકસ કપાત બચાવવા માટે અમુક સરકારી નોકરીયાતો નાની રાજકીય પાર્ટી કે એનજીઓને દાન આપી કૌભાંડ આચરતા હોવાનું ખુલ્યું છે જેથી અમરેલી જિલ્લો આઈ.ટી.ના રડાર પર છે.
ચેકના સ્વરૂપમાં રકમ આપી કમિશન કાપી રોકડ રકમ પાછી લેવામાં આવે છે
અમરેલી જિલ્લામાંથી એક શિક્ષકે જણાવ્યું હતું કે નાની રાજકીય પાર્ટી કે એનજીઓને અમુક સરકારી નોકરિયાતો ચેકના સ્વરૂપમાં પ૦ હજારથી પાંચ લાખ સુધીની રકમ દાનમાં આપે છે. જેથી રાજકીય પાર્ટી કે એનજીઓ એમાંથી પથી ૭% કમિશન કાપી ચેકમાં લીધેલી રકમને રોકડ રકમમાં રૂપાંતર કરી દાન આપનારને પરત કરે છે. દા.ત., જા કોઈ રાજકીય પાર્ટીને રૂ.પ લાખનું દાન આપે છે તો પ% લેખે રાજકીય પાર્ટી દ્વારા રપ૦૦૦ રકમ કમિશન સ્વરૂપે લઈ બાકીની રૂ.૪,૭પ,૦૦૦ રકમ પરત આપવામાં આવે છે. જયારે રૂ.પાંચ લાખ દાનના રૂપમાં જ દેખાડતા હોય છે.
ટેક્સ કપાત બચાવવા માટે દાનનો મોટો ખેલ!
અમરેલી જિલ્લામાં ટેકસ કપાત બચાવવા માટે દાનનો મોટો ખેલ ચાલી રહ્યો છે. અમુક સરકારી નોકરીયાતો ટેકસ બચાવવા માટે નાની રાજકીય પાર્ટીને દાન કે એનજીઓને દાન આપે છે. જા કે દાન આપવાનો મુખ્ય હેતુ ટેકસ કપાત બચાવવાનો હોય છે.
ગોંડલ, ધોરાજી બાદ અમરેલી જિલ્લાનો વારો?
આઈ.ટી. વિભાગના ઈન્વેસ્ટીગેશન વિભાગ દ્વારા ગોંડલ, ધોરાજી સહિત રાજયના અનેક શહેરોમાંથી ડોનેશનનો ખેલ ઝડપી પાડ્યો છે. ધોરાજીમાંથી તો ર૦૦ જેટલા શિક્ષકો ઝડપાયા હતા ત્યારે સુત્રોમાંથી મળતી માહિતી મુજબ અમરેલી જિલ્લામાં પણ ડોનેશન આપી ટેકસ બચાવવાનો પ્રયાસ કરનારાઓની સંખ્યા ખુબ જ મોટી છે જેથી અમરેલી જિલ્લો આઈ.ટી.ના રડાર પર છે.
આઈ.ટી.વિભાગ રાજકીય પાર્ટી કે એનજીઓનું બેંક સ્ટેટમેન્ટ તપાસે તેવી સંભાવના
જાણવા મળતી માહિતી મુજબ અમરેલી જિલ્લાના અમુક સરકારી નોકરીયાતો ટેકસ કપાત બચાવવા માટે દાનનો ખેલ રમી રહ્યાં છે ત્યારે આઈ.ટી.વિભાગ રાજકીય પાર્ટી કે એનજીઓનું બેંક સ્ટેટમેન્ટ તપાસે તેવી સંભાવના સેવાઈ રહી છે. જો બેંક સ્ટેટમેન્ટ તપાસવામાં આવશે તો અમુક સરકારી નોકરિયાતોની મુશ્કેલીમાં વધારો થશે તેવું લાગી રહ્યુંં છે.
ડોનેશન આપી રોકડમાં રૂપાંતર કરી નાણાં પાછા લેવા ગેરકાયદેસર
અમરેલી જિલ્લામાં અમુક સરકારી નોકરીયાતો ટેકસ બચાવવા માટે નાની રાજકીય પાર્ટીને દાન આપતા હોય છે અને તેનું રોકડમાં રૂપાંતર કરી નાણાં પાછા લેતા હોય છે. આ અંગે આઈ.ટી.ના એક અધિકારીએ જણાવ્યું હતું કે, રોકડમાં નાણા પાછા લેવા ગેરકાયદેસર છે અને આ ટેકસ ચોરીની યાદીમાં જ આવે જેથી આવા લોકો સામે આઈ.ટી. વિભાગ કડક કાર્યવાહી કરી શકે.