અમરેલીમાં હવામાન વિભાગની આગાહીને પગલે બપોરે વીજળીનાં કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. છેલ્લા કેટલાક દિવસથી વધી ગયેલા ભારે ઉકળાટ બાદ આજે પ્રચંડ ગાજવીજ સાથે તોફાની ભારે વરસાદ પડતા લોકોને ગરમીમાંથી રાહત મળી છે. ભારે વરસાદને કારણે કેટલાક નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે, જેને લઈને વાહનચાલકોને ભારે હાલાકી પડી હતી.
જોકે, રવિવાર હોવાથી શહેરમાં લોકો વરસાદનો આનંદ માણી રહ્યા છે. પરંતુ ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડતાં જગતનો તાત ચિંતામાં મુકાયો છે. જાણવા મળતી માહિતી મુજબ આજે બપોરે ૧ વાગ્યાથી વરસાદી વાતાવરણ જામ્યું હતું અને ૨ઃ૩૦ વાગ્યા બાદ અચાનક વીજળીના પ્રચંડ કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હતો. અમરેલી શહેરમાં વરસાદે સટાસટી બોલાવતા રસ્તાઓ પર પાણી ભરાયા હતા. ભારે પવન સાથે પડી રહેલા ધોધમાર વરસાદને કારણે વાહનચાલકોને હાલાકી પડી હતી. જોકે, ૩ વાગ્યા બાદ વરસાદનું જોર ઘટ્યું હતું, જિલ્લામાં સૌથી વધુ વરસાદ વડીયા-કુંકાવાવમાં ૩ ઈંચ પડ્યો હતો. જેથી સુરવો ડેમના ત્રણ દરવાજા ૧-૧ ફૂટ ખોલવામાં આવ્યા હતા. જયારે અમરેલીમાં સવા ઈંચ, લીલીયામાં ૧૯ મીમી, ખાંભા-સાવરકુંડલામાં દોઢ ઈંચ વરસાદ નોંધાયો હતો. હવામાન વિભાગની આગાહી મુજબ આવતીકાલે પણ વરસાદ પડવાની શક્યતા છે.
હાલ દિવાળીનાં તહેવારોને લઈને બજારોમાં ખરીદી કરવા લોકોની ભીડ ઉમટી હતી. પરંતુ અચાનક વરસાદ પડતાં મિનિટોમાં બજારો ખાલીખમ થઈ હતી. હાલ ધીમીધારે વરસાદ પડી રહ્યો છે. જેને લઈ વેપારીઓ માટે આજનો દિવસ ફેઈલ થવા જેવો ઘાટ ઘડાયો છે.જિલ્લાના બગસરા, ધારી સહિતના વિસ્તારોમાં પણ ધીમીધારે સારો વરસાદ પડ્યો હતો. જિલ્લામાં મગફળીના પાથરા ખેતરોમાં ખુલ્લા પડયા હોય ત્યારે વરસાદે મગફળીના પાકનો સોથ વાળી દીધો હતો. મગફળીનો પાલો સડી જતા પશુચારો પણ નિષ્ફળ ગયો છે. છેલ્લાં બે દિવસથી અમરેલી જિલ્લામાં વરસી રહેલા વરસાદને કારણે ખેડૂતોને મોઢે આવેલો કોળીયો છીનવાઈ ગયો છે.