વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે, અમરેલી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા ૫ જૂનના રોજ એક જ દિવસમાં ૩,૪૪૫ વૃક્ષો વાવીને હરિત કવચ વધારવાની દિશામાં કાર્ય કરવામાં આવ્યું હતું. જિલ્લા વિકાસ અધિકારી પી.બી. પંડયાના માર્ગદર્શન હેઠળ મનરેગા યોજના અંતર્ગત “એક પેડ મા કે નામ” અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાન હેઠળ, અમરેલી જિલ્લાના ૧૧ તાલુકાના ૬૦૫ ગામોમાં ૩૦ જૂન સુધીમાં કુલ ૨૫,૦૦૦ વૃક્ષોનું વાવેતર કરવાનું આયોજન છે.
વૃક્ષારોપણની કામગીરીમાં ગ્રામજનોને પણ જોડવામાં આવી રહ્યા છે, જેથી વાતાવરણમાં ગરમીનું પ્રમાણ ઘટે, હરિયાળી વધે અને વરસાદનું પ્રમાણ વધે. આનાથી જમીનનું ધોવાણ પણ અટકશે અને લોકોમાં વૃક્ષોના જતન અને ઉછેર પ્રત્યે જાગૃતિ આવશે. જિલ્લા વિકાસ અધિકારીએ આગામી પેઢી માટે ગામોને હરિયાળા બનાવવાનું આહ્વાન કર્યું છે.