સાવરકુંડલા શહેરમાં નાવલી ચોકથી રૂરલ પોલીસ સ્ટેશન સુધીના રસ્તા પરથી પસાર થતા તમામ વાહન ચાલકોએ વૈકલ્પિક રૂટ અનુસરવાના રહેશે કારણ કે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે આ અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. ચલાલા તરફથી આવીને નાવલી ચોકથી રૂરલ પોલીસ સ્ટેશન જવા માટે તમામ વાહનોએ ગઢિયા પેટ્રોલ પંપ તથા કુદરતી ઉપચાર કેન્દ્રવાળા રસ્તેથી પસાર થવાનું રહેશે. તેમજ જેસર રોડ તરફથી આવતા વાહનોએ રૂરલ પોલીસ સ્ટેશનથી નાવલી ચોક જવા માટે પણ આ જ ગઢિયા પેટ્રોલ પંપ તથા કુદરતી ઉપચાર કેન્દ્રવાળા માર્ગનો ઉપયોગ કરવો પડશે. આ ઉપરાંત ચલાલા તરફથી આવતા અને મહુવા રોડ તરફ જતા વાહનોએ રિદ્ધિ-સિદ્ધિ ચોકથી મહુવા રોડ પરથી પસાર થવાનું રહેશે. બીજી તરફ દામનગરથી ભુરખીયા તરફ જતા રસ્તા પર ઓવરબ્રિજની કામગીરી ચાલતી હોવાને કારણે તમામ વાહન ચાલકો માટે વૈકલ્પિક રૂટ નક્કી કરાયો છે. લાઠી અને ભુરખીયા તરફથી આવતા વાહનોએ ગુરુકુળના આગળના ભાગેથી બજરંગ નગર થઈ છભાડીયા ફાટકથી વાયા અવેડા ચોક થઈ નગરપાલિકા મેઈન રોડ પરથી પસાર થવાનું રહેશે.










































