અમરેલી જિલ્લામાં જગતના તાતની જાણે કે માઠી દશા બેઠી હોય તેમ એક પછી એક ખેત જનસના ભાવ તળિયે જતા ખેડૂતોને માથે ઓઢીને રોવાનો વારો આવ્યો છે. હજુ તો થોડા દિવસ પહેલા જ જિલ્લાના મોટાભાગના ગામડાઓને ઓક્ટોબર ૨૦૨૪ માં ભારે વરસાદના કારણે થયેલ નુકસાનીમાંથી બાદ કરવામાં આવ્યા છે ત્યારે હાલમાં કેળા પકવતા ખેડૂતો પણ પાણીના ભાવે ખેત જણસ વેચવા મજબૂર થઈ રહ્યા છે. ચાલુ વર્ષે ઉનાળાની સિઝનમાં કમોસમી વરસાદ પડતા ખેડૂતોને ડુંગળી મફતના ભાવે રોડ પર નાખવાનો વારો આવ્યો હતો. ત્યારે હાલમાં કેળાની ખેતી કરતા ખેડૂતોને કિલોએ એક-બે રૂપિયા ભાવ મળી રહ્યો છે. આ પાક માટે દવા, ખાતર, મજૂરી અને ટ્રાન્સપોર્ટેશનનો મોટો ખર્ચ થાય છે જ્યારે તૈયાર માલ બજારમાં વેચવા માટે મૂકે ત્યારે પાણીના ભાવે કેળા વેચાય છે જેને કારણે મોટાભાગના ખેડૂતોને માથે હાથ દઈને રોવાનો વારો આવ્યો છે.