અમરેલી જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડ (અમર ડેરી) ના ચેરમેન અશ્વિન સાવલીયા દ્વારા તારીખ ૨૦ માર્ચ ૨૦૨૬ ના રોજ કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીને એક પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે. ગત ૧૯ માર્ચ ૨૦૨૬ ના રોજ અમરેલી જિલ્લામાં ફૂંકાયેલા અતિ ભયંકર પવન અને કમોસમી વરસાદને કારણે ખેતી અને પશુપાલન ક્ષેત્રે વ્યાપક પાયે પાયમાલી સર્જાઈ છે. અગાઉ દિવાળી સમયે થયેલા વરસાદ બાદ ખેડૂતોએ માંડ નવો ઘાસચારો તૈયાર કર્યો હતો, જે ફરીથી નાશ પામ્યો છે. આ ઉપરાંત ખેતરોમાં ઉભેલા ઘઉં અને ચણાના પાક તેમજ ડુંગળી પકવતા ખેડૂતોને પણ ભારે આર્થિક ફટકો પડ્‌યો છે. પશુપાલકો માટે ઘાસચારાની તાત્કાલિક વ્યવસ્થા કરવા અને અસરગ્રસ્ત વિસ્તારોમાં સત્વરે સર્વે કરાવી યોગ્ય વળતર ચૂકવવા અંતમાં અશ્વિન સાવલીયાએ માંગ કરી છે.