ગુજરાત વિધાનસભામાં કિસાન સૂર્યોદય યોજના અંગેનો સવાલ પૂછવામાં આવ્યો હતો. જેમાં ધારીના ધારાસભ્ય (જે. વી. કાકડીયા)એ પૂછ્યું કે, ૩૧-૧૨-૨૦૨૫ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં અમરેલી જિલ્લામાં તાલુકાવાર કેટલા ગામોનો કિસાન સૂર્યોદય યોજના હેઠળ સમાવેશ કરવામાં આવ્યો છે. તેમના પ્રશ્નનો જવાબ આપતાં ઉર્જા મંત્રીએ જણાવ્યું, ૩૧-૧૨-૨૦૨૫ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં અમરેલી જિલ્લામાં ૬૦૨ ગામોનો કિસાન સૂર્યોદય યોજના હેઠળ સમાવેશ કરવામાં આવ્યો છે. અમરેલી તાલુકાના ૭૧ ગામે, બાબરા તાલુકાના ૫૬ ગામ, બગસરા તાલુકાના ૩૪ ગામ, ધારી તાલુકાના ૭૭ ગામ, જાફરાબાદ તાલુકાના ૩૯ ગામ, ખાંભા તાલુકાના ૫૭ ગામ, કુંકાવાવ-વડીયા તાલુકાના ૪૫ ગામ, લાઠી તાલુકાના ૪૮ ગામ, લીલીયા તાલુકાના ૨૬ ગામ, રાજુલા તાલુકાના ૬૯ ગામ અને સાવરકુંડલાના ૭૦ ગામનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત વિધાનસભા
ગૃહમાં ઊર્જામંત્રીએ રાજ્યના ખેડૂતોને એક શિફ્‌ટમાં વીજળી આપવાની જાહેરાત કરી હતી. ઉર્જામંત્રીએ જાહેરાત કરતા કહ્યું હતું કે ખેડૂતોને બે શિફ્‌ટમાં અપાતી વીજળી એક શિફ્‌ટમાં આપવા માટે ઊર્જા વિભાગ તૈયારી કરી રહ્યું છે. રાત્રે અપાતી વીજળીના બદલે હવે દિવસે ખેડૂતોને એક શિફ્‌ટમાં આઠ કલાક સળંગ વીજળી આપવાનું સરકારનું આયોજન છે. સવારે સાત વાગ્યાથી સાંજના પાંચ વાગ્યા સુધી વીજળી આપવાનું સરકારનું આયોજન છે.