ગેરરીતિ અટકાવવા માટે પરીક્ષા ખંડમાં મોબાઈલ ફોન, સ્માર્ટ વોચ, જેવા કોઈ પણ ઇલેક્ટ્રોનિક ગેજેટ્‌સ લઈ જવા પર પ્રતિબંધ

કુલ ૩૧૯૪પ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે, શિક્ષણ વિભાગ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ

આજથી સમગ્ર રાજ્યની સાથે અમરેલી જિલ્લામાં પણ ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ની બોર્ડની પરીક્ષાઓનો ઉત્સાહભેર પ્રારંભ થઈ રહ્યો છે. આ મહત્વપૂર્ણ શૈક્ષણિક કાર્યક્રમ માટે અમરેલી જિલ્લામાં કુલ ૪૮ પરીક્ષા કેન્દ્રો નિર્ધારિત કરવામાં આવ્યા છે, જ્યાં હજારો વિદ્યાર્થીઓ પોતાની કારકિર્દીની આ અગત્યની કસોટી આપશે. જિલ્લા શિક્ષણ વિભાગ અને પોલીસ પ્રશાસન દ્વારા વિદ્યાર્થીઓ કોઈ પણ જાતના ભય વગર અને શાંતિપૂર્ણ વાતાવરણમાં પરીક્ષા આપી શકે તે માટે પુરતી તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે.જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા દરેક પરીક્ષા કેન્દ્ર પર વિદ્યાર્થીઓની સુવિધાનું વિશેષ ધ્યાન રાખવામાં આવ્યું છે. ઉનાળાની શરૂઆતને ધ્યાને રાખીને તમામ સેન્ટરો પર પીવાના શુદ્ધ પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત સેનિટેશન અને સ્વચ્છતાની સુવિધાઓ પણ સુનિશ્ચિત કરવામાં આવી છે. પરીક્ષા દરમિયાન જો કોઈ વિદ્યાર્થીની તબિયત લથડે અથવા તો અન્ય કોઈ તબીબી કટોકટી સર્જાય, તો તેના તાત્કાલિક નિરાકરણ માટે સ્થાનિક પીએચસી સેન્ટરના સંપર્ક નંબરો કેન્દ્રો પર ઉપલબ્ધ કરાવાયા છે. પરીક્ષામાં કોઈ પણ પ્રકારની ગેરરીતિ ન થાય અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સંવેદનશીલ કેન્દ્રો પર વર્ગ-૧ના અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે જેઓ સમગ્ર પ્રક્રિયા પર સીધી દેખરેખ રાખશે.પરીક્ષા કેન્દ્રોની સુરક્ષા માટે જિલ્લા પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ ડીવાયએસપી, પીઆઈ અને પીએસઆઈ કક્ષાના અધિકારીઓ સતત પેટ્રોલિંગમાં રહેશે. પરીક્ષાની પવિત્રતા જાળવવા અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામા મુજબ પરીક્ષા કેન્દ્રની ૧૦૦ મીટરની ત્રિજ્યામાં આવેલી તમામ ઝેરોક્ષ અને ફેક્સની દુકાનો પરીક્ષા દરમિયાન બંધ રહેશે અથવા ત્યાં મશીનોનો ઉપયોગ કરી શકાશે નહીં. વધુમાં, કેન્દ્રની આસપાસ ત્રણથી વધુ વ્યક્તિઓના એકઠા થવા પર પણ મનાઈ ફરમાવવામાં આવી છે. ગેરરીતિ અટકાવવા માટે પરીક્ષા ખંડમાં મોબાઈલ ફોન, સ્માર્ટ વોચ, બ્લુટૂથ, ઇયરફોન, કેમેરા કે લેપટોપ જેવા કોઈ પણ ઇલેક્ટ્રોનિક ગેજેટ્‌સ લઈ જવા પર પ્રતિબંધ છે. વહીવટી તંત્ર દ્વારા વિદ્યાર્થીઓને શાંત ચિત્તે અને આત્મવિશ્વાસ સાથે પરીક્ષા આપવા અનુરોધ કરવામાં આવ્યો છે. અમરેલી જિલ્લાનું વહીવટી તંત્ર આ પરીક્ષાઓને કોઈ પણ અવરોધ વિના સફળતાપૂર્વક સંપન્ન કરવા માટે કટિબદ્ધ દેખાઈ રહ્યું છે.

ધો.૧૦ની ર૮ કેન્દ્ર પર વિદ્યાર્થીઓ પરિક્ષા આપશે
આજથી શરૂ થનાર ધો.૧૦ની પરિક્ષા બે ઝોનમાં વહેંચવામાં આવ્યા છે. અમરેલી ઝોનમાં ૧૪ કેન્દ્રોમાં ૪૦ બિલ્ડીંગમાં પરીક્ષા લેવાશે. જયારે સા.કુંડલા ઝોનમાં પણ ૧૪ કેન્દ્રોમાં ૩૯ બિલ્ડીંગમાં પરીક્ષા લેવાશે. ધો.૧૦ની પરિક્ષા ૧૯૬૪૮ વિદ્યાર્થીઓ પરિક્ષા આપશે. આ પરિક્ષાને લઈ અમરેલી શિક્ષણ વિભાગ સતર્ક બન્યુ છે.

ધો.૧રની પરીક્ષા ર૦ કેન્દ્રોમાં લેવાશે
અમરેલી શિક્ષણ વિભાગ તરફથી મળતી માહિતી મુજબ અમરેલી ઝોનમાં સા.પ્રવાહમાં ૦૮ કેન્દ્રોમાં પપપપ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.જયારે સા.કુંડલા ઝોનમાં સા.પ્રવાહમાં ૦૭ કેન્દ્રોમાં પ૧૦૭ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. વિજ્ઞાન પ્રવાહમાં અમરેલી ઝોનમાં ૦૩ કેન્દ્રો પર ૧ર૭૧ વિદ્યાર્થીઓ અને સા.કુંડલા ઝોનમાં ૦ર કેન્દ્રો પર ૩૬૪ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.

જિલ્લામાં ૩૧૯૪પ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
અમરેલી જિલ્લામાં કુલ ૪૮ કેન્દ્રો,૧૩૩ બિલ્ડીંગ અને ૧૧૧ર બ્લોકમાં વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ધો.૧૦ અને ધો.૧ર(સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહ)ના ૩૧૯૪પ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. અમરેલી જિલ્લા શિક્ષણ વિભાગ તરફથી બે દિવસ પહેલા જ તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.

 

ડર રાખ્યા વગર આત્મવિશ્વાસ સાથે પરીક્ષા આપો: જિલ્લા શિક્ષણાધિકારી
આજથી શરૂ થતી ધો.૧૦ અને ૧રની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓને જિલ્લા શિક્ષણાધિકારી મનોહરસિંહ ગોહિલે શુભેચ્છા સંદેશ આપતા જણાવ્યું છુ કે, કોઈપણ પ્રકારનો ડર કે ગભરાટ રાખ્યા વગર આત્મવિશ્વાસ સાથે પરીક્ષા આપો. તમે વર્ષભર કરેલી મહેનત નિશ્ચિતપણે ફળ આપશે. ભગવદ્‌ ગીતાનો સાર છે. કર્મ કરતા રહો, ફળની ચિંતા ન કરો. એટલે કે આપનું કર્તવ્ય છે નિષ્ઠાપૂર્વક પ્રયત્ન કરવો, પરિણામ આપમેળે શ્રેષ્ઠ આવશે. શાંત મન, સકારાત્મક વિચાર અને દૃઢ સંકલ્પ સાથે આગળ વધો, સફળતા ચોક્કસ તમારા પગલાને ચુંબન કરશે.