અમરેલી જિલ્લામાં અપમૃત્યુની પાંચ વિવિધ ઘટના બની હતી. જેમાં એક મહિલા અને ચાર પુરુષના મોત થયા હતા. ખાંભાના ત્રાકુડા ગામે રહેતા વિનોદભાઇ કાબાભાઇ કલસરીયા (ઉ.વ.૩૦) એ જાહેર કર્યા મુજબ, જયાબેન કાબાભાઇ કલસરીયા (ઉ.વ.૪૬) કેરોસીનનું ડબલું માળીયામા મુકવા જતા અચાનક નીચે ચુલામાં પડતાં ભડકો થવાથી શરીરે દાઝી ગયા હતા. જેથી સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. સારવાર દરમ્યાન મરણ પામ્યા હતા. બીજા બનામાં મુળ વડિયાના રામપુરના અને હાલ રાજકોટના કોઠારીયા ગામે રહેતા પ્રકાશભાઇ અમરૂભાઇ કોટીલા (ઉ.વ.૩૬)એ જાહેર કર્યા પ્રમાણે, ચંદ્રેશભાઇ શાંતુભાઇ કોટીલા (ઉ.વ.૧૮)નું પાણીમાં ડૂબી જતા મૃત્યુ થયું હતું. અપમૃત્યુનો ત્રીજો બનાવ બગસરાના નવા વાઘણીયા ગામે બન્યો હતો. મધુભાઇ કરશનભાઇ રાંક (ઉ.વ.૭૨)એ જાહેર કર્યા પ્રમાણે, દિપકભાઇ મધુભાઇ રાંક (ઉ.વ.૪૧)ને છેલ્લા આઠેક વર્ષથી કેન્સરની બિમારી હતી. તેને છેલ્લા ઘણા સમયથી કેફીપીણાનું વ્યસન હતું. જેનાથી કંટાળી જઇ કોઇ ઝેરી દવા પી જતા મરણ પામ્યા હતા. અપમૃત્યુના ચોથા બનાવમાં બાબરાના નાની કુંડળ ગામે રહેતા અશોકભાઇ રાઘવભાઇ મેર (ઉ.વ.૪૦) એ જાહેર કર્યા પ્રમાણે, અનિલભાઇ જેસાભાઇ મેર (ઉ.વ.૩૫) લીંમડાના ઝાડની ડાળી મશીનથી કાપતા હોય તે અચાનક ડાળી કપાઇને માથે પડતા નીચે દબાઇ જવાથી મરણ પામ્યા હતા. પાંચમા બનાવમાં રાજુલાના વાવેરા ગામે રહેતા ભરતભાઇ વલકુભાઇ ધાખડા (ઉ.વ.૪૬) એ જાહેર કર્યા પ્રમાણે, કેશુભાઇ વલકુભાઇ ધાખડા (ઉ.વ.૪૮) ના મોટર સાયકલ આડે ઓચીંતુ રોજડું (નીલગાય) આડું પડતા મોટર સાયકલ સ્લીપ થઈ ગઈ હતી. જેથી માથામાં ગંભીર ઇજા થતા સારવાર દરમિયાન મરણ પામ્યા હતા.










































